નવી દિલ્હીઃ પાકિસ્તાનનો આબિદ અલી ટેસ્ટ અને વનડેમાં ડેબ્યુ પર સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. રાવલપિંડીમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના છેલ્લા દિવસે આબિદે 109 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તે ડેબ્યુ ટેસ્ટમાં સદી ફટકારનાર પાકિસ્તાનનો 12મો બેટ્સમેન બન્યો છે. તેણે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે દુબઇમાં વનડે ડેબ્યુ કર્યું હતું અને તેમાં 112 રન ફટકાર્યા હતા. આબિદ ઉપરાંત આઝમે પણ સદી મારી હતી. વરસાદના લીધે વધુ રમત શક્ય ન હતી, માત્ર પ્રથમ અને પાંચમા દિવસે મેચ રમાઈ હતી. અમ્પાયર્સે મેચને ડ્રો જાહેર કરી હતી.


95 રનના સ્કોર પર 32 વર્ષીય આબિદ અલીએ વિશ્વા ફર્નાન્ડોના બોલ પર બાઉન્ડ્રી ફટકારી હતી અને તેણે કવર પર તેણે એક રન પૂરો કરીને પોતાની સદી પૂરી કરી હતી અને આ સાથે નવો ઈતિહાસ પણ રચ્યો હતો. તેણે રાવલપિંડી ટેસ્ટના પાંચમાં અને અંતિમ દિવસે સદી ફટકારી હતી. અગાઉ તેણે આ વર્ષે માર્ચમાં દુબઈમાં ઓસ્ટ્રેલિયા સામે વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કરતા 112 રનની ઈનિંગ્સ રમી હતી.


1971માં વન-ડે ક્રિકેટની શરૂઆત બાદ વન-ડેમાં પદાર્પણ સદી નોંધાવનારો આબિદ 15મો બેટ્સમેન છે. જોકે, વન-ડે અને ટેસ્ટ પદાર્પણ સદી નોંધાવનારો તે પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન છે. 1876માં શરૂ થયેલા ટેસ્ટ ક્રિકેટમાં આબિદ પદાર્પણ ટેસ્ટમાં સદી નોંધાવનારો 11મો પાકિસ્તાની બેટ્સમેન છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં 2009 બાદ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાઈ છે. 2009માં શ્રીલંકા ટીમ પર આતંકી હુમલો થયો હતો અને ત્યારબાદ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાયું ન હતું.

શ્રીલંકાએ પાંચમા દિવસે 308/6 ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. તેમના માટે ધનંજય ડી સિલ્વાએ સદી મારી હતી. જવાબમાં પાકિસ્તાને 2 વિકેટે 252 રન કર્યા હતા. શાન મસૂદ શૂન્ય અને કપ્તાન અઝહર અલી 36 રને આઉટ થયો હતો. બીજી અને અંતિમ ટેસ્ટ કરાચીમાં 19 ડિસેમ્બરે રમાશે.

ટેસ્ટ ડેબ્યુમાં સદી ફટકારનાર ક્રિકેટર- 106
વન ડે ડેબ્યુમાં સદી ફટકારનાર ક્રિકેટર- 15
ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યુમાં સદી ફટકારનાર ક્રિકેટર- 3
વન ડે અને ટેસ્ટ ડેબ્યુમાં સદી ફટકારનાર ક્રિકેટર- આબિદ અલી