નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ આઇસીસી ટી20 વર્લ્ડકપ ટ્રૉફી ગુમાવ્યા બાદ હવે વિદેશી ક્રિકેટરો પણ ભારતીય ટીમ પર કટાક્ષો કરી રહ્યાં છે, આ લિસ્ટમાં હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મુસ્તાક અહેમદે વિરાટ કોહલી અને રોહિત શર્માની અંદરોઅંદરના ઝઘડાને લઇને એક મોટુ ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. આ નિવેદનથી વિરાટની કેરિયર પર સવાલો ઉઠવા લાગ્યો છે. મુસ્તાક અહેમદે કહ્યું કે, હવે વિરાટ બહુ જલ્દી ભારત માટે ટી20 મેચ રમવાનુ બંધ કરી દેશે, જોકે, આઇપીએલમાં એ જરૂરી ટી20 રમશે. ઉલ્લેખનીય છે કે, આઇસીસી ટી20 વર્લ્ડકપમાં કારમી હાર સાથે બહાર ફેંકાઇ ગયા બાદ ભારતીય ટીમની સાથે સાથે વિરાટ કોહલી પર ચારેય બાજુથી માછલા ધોવાઇ રહ્યાં છે, વિરાટે ટીમ ઇન્ડિયાની ટી20 ફોર્મેટમાં કેપ્ટનશીપ પણ છોડી દીધી છે. મુસ્તાક અહેમદનું કહેવુ છે કે ભારતીય ટીમમાં બે ગૃપ પડી ગયા છે. 


ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની ઉપરાછાપરી હાર બાદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને લેગ સ્પિનર મુસ્તાક અહેમદે દાવો કર્યો છે કે, કોહલીએ કેપ્ટનશિપ છોડવાનુ નક્કી કર્યુ છે અને જ્યારે કોઈ સફળ કેપ્ટન પોતે કેપ્ટનશિપ છોડી દે ત્યારે એવુ માનવુ રહ્યુ કે, ડ્રેસિંગ રુમમાં બધુ બરાબર નથી.ભારતીય ટીમમાં બે ગ્રૂપ પડી ગયા છે. તેને વધુમાં કહ્યું કે, ભારતીય ટીમમાં એક દિલ્હી ગૃપ અને બીજુ મુંબઇ ગૃપ પડી ગયા છે. મુસ્તાક અહેમદે કહ્યું મને લાગે છે કે, કોહલી આઈપીએલમાં ટી-20 રમવાનુ ચાલુ રાખશે પણ ભારતીય ટીમ વતી તે ટી-20 રમવાનુ બહુ જલ્દી બંધ કરી દેશે.


મુસ્તાક અહેમદે આઇપીએલ પર પણ કટાક્ષ કરતાં કહ્યું કે, આઇપીએલના કારણે ખેલાડીઓ થાકી ગયા છે. તેમને કહ્યું- મને લાગે છે કે આઈપીએલના કારણે ભારતીય ટીમનો દેખાવ વિશ્વ કપમાં સારો રહ્યો નથી.વિશ્વ કપ પહેલા બહુ લાંબો સમય બાયો બબલમાં રહેવાના કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ થાકી ગયા હતા.