ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. આમિરે હવે બીજો મોટો ધડાકો કર્યો છે કે, એ હવે કદી પણ પાકિસ્તાન માટે રમવા નથી માંગતો અને તેણે બ્રિટનની નાગરિકતા માટે અરજી કરી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આમિર બ્રિટનમાં મકાન પણ ખરીદશે કે જેથી ત્યાં સ્થાયી થઈ શકે. આમિરે 2016માં બ્રિટિશ નાગરિક નરગિસ મલિક સાથે લગ્ન કર્યાં હતાં. પાકિસ્તાનના અખબાર ‘ધ ટ્રિબ્યૂન’ના અહેવાલ પ્રમાણે,  આમિરે સ્પાઉસ વિઝા (પત્નીની નાગરિકતાના આધારે મળનારા વિઝા) માટે અરજી કરી છે.
બ્રિટનના નિયમ પ્રમાણે શરૂઆતમાં આ વિઝા 30 મહિના માટે જ મળે છે. ત્યાર બાદ સંબંધિત વ્યક્તિ નક્કી કરેલાં ધારાધોરણોનું પાલન કરે તો તેને કાયમી નાગરિકતા અને બ્રિટિશ પાસપોર્ટ પણ મળી શકે છે. સ્પાઉસ વિઝા મળ્યા બાદ આમિર બ્રિટેનમાં આજીવન કામ પણ કરી શકે છે. હાલ તેઓ લંડનમાં ઘર ખરીદવાના પ્રયાસોમાં છે.