નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે જમ્મુ કાશ્મીર પર આપેલા પોતાના નિવેદન પર ફેરવી તોડ્યું છે. હાલમાં જ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી આ મુદ્દે કડક પ્રિક્રિયા આપ્યા બાદ હવે શોએબ અખ્તર નરમ પડ્યો છે. અખ્તરે પોતાની યૂ ટ્યુબ ચેનલમાં કાશ્મીરના મુદ્દા ઉપર ભડકાઉ નિવેદન ના કરવાની માંગણી કરી છે. અખ્તરે કહ્યું છે કે, હું માનું છું કે સ્થિતિ ખરાબ છે અને હું એ પણ માનું છું કે તમે પોતાના દેશને પ્રેમ કરો છો અને અમે અમારા દેશને પણ આપણે નફરતનું કારણ ન બનવું જોઈએ. આપણે કાશ્મીર મુદ્દે કોઈ એવું નિવેદન ન આપવું જોઈએ જેનાથી સ્થિતિ વધારે ખરાબ થાય.


નોંધનીય છે કે, આ પહેલા અખ્તરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં એક બાળકીનો ફોટો છે. જેની એક આંખ પર પટ્ટી બાંધેલી છે. એ ફોટા પર લખ્યું છે, તમે ત્યાગને પરિભાષિત કરો છો. અમે તમારી આઝાદી માટે પ્રાર્થના કરીએ છીએ અને આ હેતુ માટે જીવવું શાનદાર છે.



જોકે સવાલ એ છે કે શોએભ અખ્તર સાથે એવું તે શું થયું કે તેણે કાશ્મીર મુદ્દે ફેરવી તોડ્યું. અખ્તરનું આમ કરવા પાછળનું કારણ ભારતીય ફેન્સ છે. અખ્તરે કાશ્મીર મુદ્દે ટ્વિટ કર્યું હતું તો ભારતીય ફેન્સે તેની યુ ટ્યૂબ ચેનલ Unsubscribe કરવાની ચેતવણી આપી હતી. આ વાતથી ડરીને જ અખ્તરે હવે કાશ્મીર મુદ્દે નરમ વલણ અપનાવ્યું છે. અખ્તરના યુ ટ્યૂબ ઉપર 1.5 મિલિયન સબ્સક્રાઇબર્સ છે, જેમાં મોટાભાગના ભારતીય છે. ભારતીય ફેન્સની ચેતવણી પછી અખ્તરે કાશ્મીર મુદ્દા ઉપર નિષ્પક્ષ વલણ અપનાવી લીધું છે.