Pele's Career:  ફૂટબોલ જગતના મહાન ખેલાડી પેલેનું નિધન થયુ છે. તેમની તબિયત ઘણા સમયથી ખરાબ હતી. તેમણે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા હતા. બ્રાઝિલના આ દિગ્ગજ ખેલાડીના નિધન પર સામાન્ય લોકોથી લઈને રમત, કળા અને રાજકીય જગતની તમામ મોટી હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહી છે.


પેલેની ફૂટબોલ કારકિર્દી માત્ર 15 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. તે બ્રાઝિલની ફૂટબોલ ક્લબ સાંતોસ તરફથી મેદાનમાં ઉતર્યા હતા. 16 વર્ષની ઉંમર સુધીમાં તે તેની ફૂટબોલ ક્લબના નિયમિત ખેલાડી બની ગયા. 16 વર્ષની ઉંમરે તેઓ 1957-58 સિઝનમાં બ્રાઝિલિયન લીગનો ટોચનો સ્કોરર બન્યા હતા.  પરિણામ એ આવ્યું કે તરત જ તેને રાષ્ટ્રીય ટીમમાંથી ફોન આવ્યો. 16 વર્ષની ઉંમરે તેમણે તેની રાષ્ટ્રીય ટીમ વતી ડેબ્યૂ કર્યું હતું.


પેલેએ 7 જુલાઈ 1957ના રોજ આર્જેન્ટિના સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષ 9 મહિનાની હતી. આ મેચમાં તેમણે પોતાની ટીમ માટે એક ગોલ પણ કર્યો હતો. બ્રાઝિલ માટે ગોલ કરનાર સૌથી યુવા ખેલાડીનો રેકોર્ડ તેમના નામે છે. જોકે બ્રાઝિલ આ મેચ 1-2થી હારી ગયું હતું.


17 વર્ષની ઉંમરે પેલેએ તેમનો પ્રથમ ફૂટબોલ વર્લ્ડકપ રમ્યો હતો. 1958ના વર્લ્ડ કપમાં તેમને બ્રાઝિલની ટીમમાં સ્થાન મળ્યું હતુ. અહીંથી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. પેલેએ આ વર્લ્ડ કપમાં યાદગાર પ્રદર્શન કર્યું હતું. સેમિફાઇનલમાં ફ્રાન્સ સામે હેટ્રિક અને ફાઇનલમાં સ્વીડન સામે બે ગોલથી તેમણે વિશ્વભરમાં ઓળખ મળી. 1958ના વર્લ્ડકપ પછી પેલેને યુરોપની સુપ્રસિદ્ધ ફૂટબોલ ક્લબોએ બોલાવ્યા. રિયલ મેડ્રિડ, યુવેન્ટસ અને માન્ચેસ્ટર યુનાઈટેડ જેવી ક્લબોએ તેને પોતાની ટીમમાં સામેલ કરવા સખત પ્રયાસ કર્યો. ઇન્ટર મિલાન અને વેલેન્સિયા તેની સાથે લગભગ જોડાઈ ગયા હતા, પરંતુ સાન્તોસ ફૂટબોલ ક્લબના ચાહકોની માંગને કારણે બ્રાઝિલની ક્લબે તેને છોડવાનો ઇનકાર કર્યો હતો. પરિણામ એ આવ્યું કે તે સાન્તોસમાં જ રહ્યા હતા.


આવી રહી ક્લબ કારકિર્દી


પેલે 1974 સુધી સાંતોસ સાથે રહ્યા. તેમણે આ ફૂટબોલ ક્લબ માટે 643 ગોલ કર્યા છે. તેમણે સાંતોસને 6 વખત કેમ્પિયોનાટો પૌલિસ્ટા સેરી-એ-1 (બ્રાઝિલિયન ફૂટબોલ લીગ)નું ટાઇટલ અપાવ્યું. 1975માં તે અમેરિકન ક્લબ 'ન્યૂયોર્ક કોસ્મોસ'માં જોડાયો. અહીં તેણે 1977 સુધી રમવાનું ચાલુ રાખ્યું. 1 ઓક્ટોબર 1977ના રોજ, તેણે તેની છેલ્લી પ્રોફેશનલ મેચ રમી હતી.


બ્રાઝિલ માટે 77 ગોલ કર્યા


પેલેની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ કારકિર્દી 14 વર્ષ સુધી ચાલી હતી. 1957માં ડેબ્યૂ કર્યા બાદ, તેમણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 18 જુલાઈ 1971ના રોજ રમી હતી. યુગોસ્લાવિયા સામે રમાયેલી આ મેચ બ્રાઝિલ માટે પેલેની છેલ્લી મેચ હતી. પેલેએ બ્રાઝિલ માટે 92 મેચ રમી અને તેમાં 77 ગોલ કર્યા. આ દરમિયાન બ્રાઝિલે 67 મેચ જીતી, 11 મેચ હારી અને 14 મેચ ડ્રો કરી. તેમની શાનદાર કારકિર્દીમાં ત્રણ વર્લ્ડ કપ ટ્રોફી (1958, 1962, 1970)નો સમાવેશ થાય છે.


રાષ્ટ્રીય ટીમ, ફૂટબોલ ક્લબ, જુનિયર સ્તર અને બિનસત્તાવાર તમામ મેચો જોવામાં આવે છે, પેલેએ તેની કારકિર્દીમાં 1366 મેચ રમી અને 1281 ગોલ કર્યા. આ આંકડો FIFA અનુસાર છે. બ્રાઝિલિયન ફૂટબોલ એસોસિએશન અને સાંતોસ ફૂટબોલ ક્લબ અને અન્ય સ્ત્રોતોના આંકડા અહીં અલગ છે. તેની આંતરરાષ્ટ્રીય અને વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન, પેલેએ ઘણા રેકોર્ડ બનાવ્યા અને આ જ કારણ છે કે તેની ગણતરી ફૂટબોલ વિશ્વના મહાન ખેલાડીઓમાં થાય છે.