Pele Records Brazil: ફૂટબોલના દિગ્ગજ ખેલાડી પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલર પેલે કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. કેન્સરની સારવાર માટે તેમને આ મહિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પેલે ભલે આ દુનિયાને અલવિદા કહી ચુક્યા હોય, પરંતુ તે ચાહકોના દિલમાં હંમેશા હાજર રહેશે. પેલેએ તેની ફૂટબોલ કારકિર્દી દરમિયાન ઘણા રેકોર્ડ બનાવ્યા, જેને તોડવો કોઈપણ ખેલાડી માટે સરળ નહીં હોય.






પેલે બ્રાઝિલ તેમજ વિશ્વભરના ફૂટબોલ ચાહકોનો ચહેરો છે. તેમણે બ્રાઝિલને ત્રણ વખત ચેમ્પિયન બનાવ્યું હતું. પેલેએ 1958, 1962 અને 1970માં બ્રાઝિલને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. ત્રણ વખત ફૂટબોલ વર્લ્ડ કપ જીતનાર તે વિશ્વના એકમાત્ર ખેલાડી છે. પેલેનો આ રેકોર્ડ તોડવો કોઈપણ ખેલાડી માટે સરળ નહીં હોય. રસપ્રદ વાત એ છે કે તે ચાર વખત વર્લ્ડ કપ રમ્યા હતા અને ત્રણ વખત વિજેતા બન્યા હતા.


ફૂટબોલર પેલેએ 1958 ફિફા વર્લ્ડકપ ફાઇનલમાં સ્વીડન સામે બે ગોલ કર્યા હતા. પેલે માટે આ ઐતિહાસિક મેચ હતી. બ્રાઝિલ ચેમ્પિયન બન્યું હતું. પેલેની એકંદર કારકિર્દી વિશે વાત કરીએ તો તેમણે કુલ 1363 પ્રોફેશનલ્સ મેચમાં 1283 ગોલ કર્યા. તેમણે બ્રાઝિલ માટે 92 મેચ રમી અને 77 ગોલ કર્યા. પેલેએ 1977માં ઉત્તમ અને યાદગાર કારકિર્દીનો અંત લાવ્યો. તેમણે 1977માં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી હતી.


ઉલ્લેખનીય છે કે, 1958 ફિફા વર્લ્ડકપમાં બ્રાઝિલે ફ્રાન્સ સામે સેમીફાઇનલ મેચ રમી હતી. આ મેચમાં હાફ ટાઈમ સુધી બ્રાઝિલે 2-1થી સરસાઈ મેળવી લીધી હતી. આ પછી પેલેએ હેટ્રિક નોંધાવી હતી. તે ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં હેટ્રિક ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યા હતા. બ્રાઝિલે સેમિફાઇનલ મેચ 5-2થી જીતી હતી


બ્રાઝિલ માટે 77 ગોલ કર્યા


પેલેની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ કારકિર્દી 14 વર્ષ સુધી ચાલી હતી. 1957માં ડેબ્યૂ કર્યા બાદ, તેમણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 18 જુલાઈ 1971ના રોજ રમી હતી. યુગોસ્લાવિયા સામે રમાયેલી આ મેચ બ્રાઝિલ માટે પેલેની છેલ્લી મેચ હતી. પેલેએ બ્રાઝિલ માટે 92 મેચ રમી અને તેમાં 77 ગોલ કર્યા. આ દરમિયાન બ્રાઝિલે 67 મેચ જીતી, 11 મેચ હારી અને 14 મેચ ડ્રો કરી. તેમની શાનદાર કારકિર્દીમાં ત્રણ વર્લ્ડ કપ ટ્રોફી (1958, 1962, 1970)નો સમાવેશ થાય છે.


રાષ્ટ્રીય ટીમ, ફૂટબોલ ક્લબ, જુનિયર સ્તર અને બિનસત્તાવાર તમામ મેચો જોવામાં આવે છે, પેલેએ તેની કારકિર્દીમાં 1366 મેચ રમી અને 1281 ગોલ કર્યા. આ આંકડો FIFA અનુસાર છે. બ્રાઝિલિયન ફૂટબોલ એસોસિએશન અને સાંતોસ ફૂટબોલ ક્લબ અને અન્ય સ્ત્રોતોના આંકડા અહીં અલગ છે. તેની આંતરરાષ્ટ્રીય અને વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન, પેલેએ ઘણા રેકોર્ડ બનાવ્યા અને આ જ કારણ છે કે તેની ગણતરી ફૂટબોલ વિશ્વના મહાન ખેલાડીઓમાં થાય છે.