Pro Kabaddi League 2022: ભારતમાં કબડ્ડીનો રોમાંચ એકવાર ફરીથી શરુ થવા જઈ રહ્યો છે. દેશની સૌથી મોટી કબડ્ડી લીગ 'પ્રો કબડ્ડી લીગ' સીઝન 9ની શરુઆત આવતા મહિને 7 ઓક્ટોમ્બરથી શરુ થવાની છે. આ લીગના પ્રથમ તબક્કાના કાર્યક્રમની જાહેરાત આયોજકો દ્વારા કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં કુલ 66 મુકાબલા રમાશે. આ તમામ મેચોનું આોજન બેંગલોરની કંતીર્વા ઈન્ડોર સ્ટેડિયમ અને પુણેના શ્રી શિવછત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રમાશે. ત્યારે અહીં જાણો, પ્રો કબડ્ડી લીગની કેટલી ટીમો રમશે અને લાઈવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકાશે.


આ ટીમો રમશે પ્રો કબડ્ડી લીગઃ


પ્રો કબડ્ડી લીગની 9મી સીઝનમાં કુલ 12 ટીમો ભાગ લેશે. આ બધી ટીમો સામ-સામે ટકરાશે અને પોતાની ટાઈટલ જીતવાની મજબુત દાવેદારી કરશે. આ વખતે પ્રો કબડ્ડી લીગમાં બંગાલ વોરિયર્સ, બેંગલોર બુલ્સ, દબંગ દિલ્હી, ગુજરાત જાયંટ્સ, હરિયાણા સ્ટીલર્સ, જયપુર પિંક પેંથર્સ, પટના પાયરટ્સ, પુણેરી પલટન, તમિલ થલાઈવાઝ, તેલુગુ ટાઈટંટ્સ, યુ મુંબા અને યુપી યોદ્ધા જેવી ટીમો રમશે.


લાઇવ સ્ટ્રીમિંગની તમામ વિગતોઃ


પ્રો કબડ્ડી લીગની 9મી સિઝન 7 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ સિઝનની પ્રથમ મેચ દબંગ દિલ્હી અને યુ મુમ્બા વચ્ચે રમાશે. તમે કબડ્ડીની આ તમામ રોચાંક મેચોને સ્ટાર સ્પોર્ટ્સ અને ડિઝની હોટસ્ટાર પર લાઈવ જોઈ શકો છો. બીજી તરફ, જો તમે સ્ટેડિયમમાં જઈને મેચ જોવા માંગતા હોવ તો તમે બુક માય શોની સાઈટ પર જઈને તમારી ટિકિટ બુક કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે પ્રો કબડ્ડી લીગની મેચો સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે.


ઉલ્લેખનીય છે કે, પ્રો કબડ્ડી લીગની અત્યાર સુધી 8 સીઝન થઈ ચૂકી છે. આ લીગની છેલ્લી સિઝનમાં દબંગ દિલ્હીની ટીમ વિજેતા બની હતી. દબંગ દિલ્હીએ રોમાંચક ફાઈનલ મેચમાં પટના પાઈરેટ્સને 37-36થી હરાવીને ટાઈટલ જીત્યું હતું.