ભારતનો સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર જાહેર થયો છે. ICCએ બુધવારે આ જાણકારી આપી હતી. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર બીજા સ્થાને રહ્યો છે જ્યારે રવિચંદ્રન અશ્વિન ત્રીજા સ્થાને છે. નોંધનિય છે કે, જાડેજાએ શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં બોલ અને બેટથી જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ મેચમાં અણનમ 175 રન બનાવ્યા હતા, જ્યારે 9 વિકેટ પણ ઝડપી હતી. 


 


 






જો કે, ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ભારતીય ટીમને કોઈ ખાસ ફાયદો થયો નથી. રોહિત શર્મા 7મા નંબર પર, વિરાટ કોહલી 9મા નંબર પર અને ઋષભ પંત 10મા નંબર પર છે. બેટ્સમેનોની યાદીમાં ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન ટોચના સ્થાને છે અને ત્યાર બાદ ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ છે. જો આપણે બોલરોની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ખેલાડી પેટ કમિન્સ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર છે. જ્યારે બોલરોની યાદીમાં ભારતનો રવિચંદ્રન અશ્વિન અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ બીજા અને ચોથા સ્થાને યથાવત છે. 


આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર કાગીસો રબાડા બોલિંગ રેન્કિંગમાં પાંચ સ્થાનની છલાંગ લગાવીને ટોપ 10માં પહોંચી ગયો છે. આ યાદીમાં પાકિસ્તાનનો શાહીન આફ્રિદી એક સ્થાન નીચે સરકીને છઠ્ઠા નંબર પર આવી ગયો છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે 15માં નંબર પર પહોંચી ગયો છે.


બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં પાકિસ્તાનના બાબર આઝમને સૌથી વધુ ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયા સામેની તેની ક્રિકેટ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સને કારણે બુધવારે જાહેર કરાયેલા બેટ્સમેનોની તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં બાબર આઝમ ત્રણ સ્થાન ઉપર ચઢીને પાંચમાં નંબરે પહોંચી ગયો છે. ટોપ-10 બેટ્સમેનોમાં બાબર પાકિસ્તાનનો એકમાત્ર ખેલાડી છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજાએ પણ મોટી છલાંગ લગાવી છે. રિઝવાન ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર સાથે સંયુક્ત રીતે 6 સ્થાન આગળ વધીને 11માં નંબર પર પહોંચી ગયો છે. જ્યારે ઉસ્માન ખ્વાજા 11 સ્થાનની છલાંગ લગાવીને 13માં સ્થાને પહોંચી ગયો છે.