નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, વિપક્ષી ખેલાડીને નોટ આઉટ આપ્યા બાદ રિવ્યૂ (DRS) પર નિર્ણય લેવાનું કામ મહેન્દ્ર સિંહ ધોનીનું ન હોઈ શકે. અન્ય લોકોની પણ તેમાં ભૂમિકા હોય છે.

એઝબેસ્ટનમાં રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં હાર્દિક પંડ્યાનો એક બોલ જેસન રૉયના ગ્લવ્ઝને અડકીને ધોનીના હાથમાં પકડાઈ હતી. અમ્પાયરે તેને આઉટ આપ્યો નહોતો. તે સમયે પંડ્યા અને કોહલીએ ધોનીને પૂછ્યું પરંતુ તે અસમંજસમાં હતો. આ કારણે રિવ્યૂ લેવામાં ન આવ્યો. આ પછી રિપ્લેમાં જાણવા મળ્યું હતું કે બોલ જેસનના ગ્લવ્ઝને અડકીને ગઈ હતી.



મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે રોહિતે આ વિશે સવાલ કર્યો તો તેમણે કહ્યું કે આ રીતનો નિર્ણય લેવો એ સેકન્ડ્સની વાત છે અને એ જરૂરી નથી કે તમે હંમેશા 100 ટકા સાચાં જ પડો.

રોહિતે કહ્યું કે,’આ ખૂબ જ ટ્રિકી વસ્તુ છે. તમે મૂંઝવણમાં હોવ છો. તમે આજે જેસન રોય વિશે વાત કરી રહ્યાં છો બરાબરને? હા, કેટલાક ખેલાડીઓએ અવાજ સાંભળ્યો અને કેટલાકે નહોતો સાંભળ્યો. કેપ્ટન દબાણમાં હતો. એ બરાબર નથી કે તમે ધોની પાસેથી જ આશા રાખો કે તે હંમેશા સાચો નિર્ણય લેશે કારણકે અનેક વિચાર એક સાથે જ તમારા મગજમાં ચાલતા હોય છે અને ફિલ્ડીંગ કરનાર ખેલાડીઓના મગજમાં આવે છે. કેટલાકને લાગ્યું હતું કે બોલ અડકી અને કેટલાકને નહીં’.