મુંબઇઃ પૂર્વ ક્રિકેટર સચિન તેડુંલકર એ વેઇટરની શોધ કરી રહ્યા છે જેની સલાહ પર તેમણે પોતાના એલ્બો ગાર્ડને રિડિઝાઇન કર્યો હતો. સચિને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એ ઘટના અંગે જણાવી રહ્યા છે. માસ્ટર બ્લાસ્ટરે કહ્યું કે, કેવી રીતે વેઇટરની સલાહ પર તેમની બેટિંગ સ્કિલ બદલાઇ ગઇ હતી.


સચિને લખ્યું કે હું ચેન્નઇની તાજ કોરોમંડલમાં ટેસ્ટ સીરિઝ દરમિયાન એક સ્ટારને મળ્યો હતો. મારી તેમની સાથે એલ્બો ગાર્ડને લઇને વાત થઇ હતી. તેની સલાહ પર મે પોતાનો એલ્બો ગાર્ડ રિડિઝાઇન કર્યો હતો. હું નથી જાણતો કે તે હાલમાં ક્યાં છે અને હું તને મળવા માંગું છું. શું તમે લોકો એ વેઇટરની શોધમાં મારી મદદ કરી શકો છો.

સચિને કહ્યું કે, મને સારી રીતે યાદ છે કે એક વેઇટર એક દિવસ મારી રૂમમાં આવ્યો હતો. તે કોફી લઇને આવ્યો હતો. તેણે મારી સાથે એલ્બો ગાર્ડ પહેરીને બેટ સ્વિંગ અંગે વાત કરી હતી. તેણે મને કહ્યું હતું કે એલ્બો ગાર્ડ પહેરીને રમતા મારું બેટ સ્વિંગ બદલી જાય છે. તે મારો ફેન હતો અને મારી એક્શનને અનેકવાર જોતો હતો. મે તેને કહ્યું હતું કે, તું સાચો છે અને દુનિયાનો પ્રથમ વ્યક્તિ છે જેણે મારી ખામી પકડી છે. ત્યારબાદ હું મેદાન પરથી મારી રૂમમાં ગયો ત્યારે મે મારા એલ્બો ગાર્ડને રિડિઝાઇન કર્યો હતો.