નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના પીડિતોની મદદ માટે ભારતીય ટીમના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પણ આગળ આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં બશફાયરના વિક્ટિમ્સની ચેરિટી માટે બશફાયર ક્રિેટ બૈશ થવા જઈ રહી છે. તેમાં માત્ર બે ટીમ હશે, જેમાં એક ટીમ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની પોન્ટિંગ ઈલેવન છે જ્યારે બીજી ટીમ તેમના જ દેશના મહાન સ્પિનર શેન વોર્નની વોર્ન ઈલેવન છે.


બંને ટીમો વચ્ચે આઠમી ફેબ્રુઆરીએ મેચ રમાશે અને ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલા દાવાનળથી થયેલા નુકશાનની ભરપાઇ કરવા માટે ફંડ એકત્ર કરાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઇઓ કેવિન રોબર્ટ્સે જણાવ્યું હતું કે અમે સચિન તથા વોલ્શનું સ્વાગત કરવા માટે આતુર છીએ. અમે વિશેષ દિવસ માટે બંને ખેલાડીઓની આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ. બંને ખેલાડીઓ પોતાના જમાનાના શાનદાર ખેલાડી હતા. નોંધનીય છે કે સચિન અને વોલ્શ બંને આઇસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવી ચૂક્યા છે. સચિને ઇન્ટરનેશનલ ક્રકિેટમાં સર્વાધિક રન બનાવ્યા છે. વોલ્શના નામે ૫૦૦ પ્લસ વિકેટો નોંધાયેલી છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઇઓએ જણાવ્યું હતું કે બિગ બેશ લીગની ફાઇનલ મેચ પહેલાં આ ફંડ એકત્ર કરવા માટે મેચ રમાશે અને સમગ્ર ક્રિકેટ પરિવાર અત્યંત ખુશ છે. આ મેચમાં રિકી પોન્ટિંગ ઉપરાંત શેન વોર્ન, જસ્ટિન લેંગર, એડમ ગિલક્રિસ્ટ, બ્રેટ લી, શેન વોટસન તથા માઇકલ ક્લાર્ક જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ રમવાના છે.  ઓસ્ટ્રેલિયન ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ સુકાની સ્ટિવ વો તથા મેલ જોન્સ ટીમના નોન-પ્લેઇંગ સ્ટાફનો હિસ્સો રહેશે.