Commonwealth Games 2022 :  બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન સુરક્ષાની ખામીઓને કારણે કુસ્તીની મેચો રોકી દેવામાં આવી છે. આ સાથે જ સમગ્ર સ્ટેડિયમને પણ ખાલી કરાવવામાં આવ્યું છે. તાજેતરની માહિતી અનુસાર, હવે કુસ્તીની ફાઇનલ મેચો પણ મોડી શરુ થશે. ભારતના બજરંગ પુનિયા અને દીપક પુનિયાએ પ્રથમ રાઉન્ડમાં જીત મેળવી હતી. બંનેએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.



યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે ટ્વીટ કર્યું, "અમે સુરક્ષા તપાસ માટે હાલમાં રમતોને સ્થગિત કરી રહ્યા છીએ. પરવાનગી મળ્યા પછી રમત ફરી શરૂ થશે." હાલની માહિતી અનુસાર, કુસ્તીની મેચો ભારતીય સમય અનુસાર સાંજે 5:15 વાગ્યે ફરી શરૂ થશે.


દીપક પુનિયા અને બજરંગ પુનિયા કુસ્તીમાં જીત્યા


ભારતીય ખેલાડીઓએ કુસ્તીમાં કમાલ કરી બતાવી છે.  બજરંગ પુનિયા અને દીપક પુનિયા બંને તેમની પ્રથમ મેચ જીત્યા હતા. બજરંગે નૌરુના લો બિંગહામને 4-0થી જ્યારે દીપક પુનિયાએ ન્યૂઝીલેન્ડના મેથ્યુને 10-0થી હરાવ્યો હતો.


પેરા ટેબલ ટેનિસમાં ફાઈનલમાં પહોંચી ગુજરાતની ભાવિના પટેલ


ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ભારત માટે મેડલ પાકો કર્યો છે.  તેણે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભાવિનાએ મહિલા સિંગલ્સ વર્ગમાં ઈંગ્લેન્ડની સુ બેઈલીને 11-6, 11-6, 11-6થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.


ટેબલ ટેનિસ: મણિકા બત્રા અને સૃજા ક્વાર્ટર ફાઈનલમાં ​​​​​​​


સ્ટાર પેડલર મણિકા બત્રાએ ઓસ્ટ્રેલિયાની મિનહ્યુંગ જીને 4-0થી હાર આપી હતી. આ સાથે જ તેણે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તો અન્ય એક મેચમાં સૃજા એકુલાએ વેલ્સની ચાર્ટલેટ કૈરીને 4-3 (8-11, 11-7, 12-14,9-11, 11-4, 15-13, 12-10)થી માત આપીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.​​​​​​​


મુરલી શ્રીશંકરે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચ્યો


ભારતના મુરલી શ્રીશંકરે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં એક ઈતિહાસ રચ્યો છે. તેણે લોંગ જંપ ઇવેન્ટમાં 8.08 મીટરની છલાંગ લગાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. શ્રીશંકર આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનારો પહેલો ભારતીય પુરૂષ ખેલાડી બની ગયો છે. આ અગાઉ સુરેશ બાબૂએ 1978માં કોમનવેલ્થ ગેમ્સમાં લોંગ જંપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.