કેરળમાં રવિવારે સાંજે કોઠામંગલમમાં આદિવાડ ફૂટબોલ ટુર્નામેન્ટ દરમિયાન એક ગેલેરી ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા છે. સમાચાર અનુસાર, ઓછામાં ઓછા 21 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 15 લોકોને કોઠામંગલમ સ્થિત બેસિલિયોસ મેડિકલ મિશન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પાંચ વ્યક્તિને તાત્કાલિક ધર્મગિરિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને કોચીની રાજાગિરિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ફૂટબોલ ટુર્નામેન્ટ માટે બનાવવામાં આવેલી કામચલાઉ ગેલેરી અચાનક નમી ગઇ અને એક તરફ લોકો પડી ગયા હતા. જ્યારે આ ઘટના મેચ શરૂ થવાના લગભગ 10 મિનિટ પહેલા બની ત્યારે 4,000થી વધુ લોકો મેચ જોવા માટે એકઠા થયા હતા. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે. સ્થાનિક અધિકારીઓ અને કટોકટી સેવાઓ ઘટનાસ્થળે હાજર છે.

પોલીસે ગેલેરી કેમ તૂટી પડી તેનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી હતી. હાલમાં ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી છે અને આયોજકોને આ બેદરકારીનો ખુલાસો કરવા કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેલેરી લાકડા અને વાંસથી બનેલી હતી, જે ભારે ભીડનું વજન સહન કરી શકી નહીં અને એક તરફ નમી અને નીચે પડી ગઈ. ઘટના બાદ વિસ્તારમાં ગભરાટનો માહોલ છે, પરંતુ રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી. વહીવટીતંત્રે કહ્યું છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક ધોરણો લાગુ કરવામાં આવશે.