લંડનઃ વર્લ્ડકપમાં ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન શિખર ધવન વર્લ્ડકપની બાકીની મેચો નહીં રમી શકે તેવા સમાચાર હતા. જો કે હવે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર એ છે કે, શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો. માત્ર આગામી કેટલીક મેચોમાં શિખર ધવને ગ્રાઉન્ડની બહાર બેસવું પડશે.

વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે ઈજાગ્રસ્ત થયેલ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની ઈજા અંગે મંગળવારે મોડી સાંજે અંતિમ રિપોર્ટ આવ્યો આ રીપોર્ટ પ્રમાણે તેના ડાબા હાથના અંગૂઠામાં હેયરલાઇન ફ્રેક્ચર થયું છે. તેના કારણે શિખર ધવને આરામ કરવો પડશે પણ સાવ બહાર નહીં થાય.

આ રિપોર્ટ બાદ બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટે નિર્ણય લીધો છે કે, આગામી એક સપ્તાહ સુધી શિખર ધવન ટીમના ડોક્ટરોની દેખરેખમાં રહેશે. આ પહેલાં એવી વાત વહેતી થઈ હતી કે ધવન ગંભીર ઈજાના કારણે બહાર થઈ શકે છે અને તેની જગ્યાએ અંબાતી રાયડુ કે રિષભ પંતમાંથી કોઈ એકને તક મળી શકે છે.



જો કે અંગૂઠાના ફ્રેક્ચર અંગે મેડિકલ રિપોર્ટ બાદ ટીમ ઈન્ડિયાએ રાહતના શ્વાસ લીધા છે. આ રીપોર્ટ પ્રમાણે ધવનની આ ઈજા થોડા દિવસોમાં સારી થઈ શકે છે. સંપૂર્ણ રીતે ફિટ થયા બાદ તે ફરી ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ ઈલેવનનો હિસ્સો બની શકે છે.

આવતા અઠવાડિયે ફરી ડોક્ટરો તેને તપાસશે પછી તેના રમવા અંગે નિર્ણય લેશે. રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કૂલ્ટર નાઇલ બોલિંગમાં શિખર ધવનના ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી અને પછી મેડિકલ રિપોર્ટમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું. આ મેચ ભારતે 36 રનથી જીતી હતી.