નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાં ચોથા નંબરને લઈને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી એકબીજા કરતા અલગ અલગ મત વ્યક્ત કરી રહ્યા છે. ગાવસ્કર ચોથા નંબર માટે રિષભ પંતને સમર્થન આપવાના કોહલીના વલણથી સહમત નથી. ગાવસ્કરના મતે શ્રેયસ ઐયર વન ડે ક્રિકેટમાં પંતની સરખામણીએ ચોથા નંબર માટે વધારે બેસ્ટ વિકલ્પ છે.


અય્યર ભારતીય ટીમમાં ચોથા નંબર પર બેટિંગ કરવાનો પ્રબળ દાવેદાર છે પરંતુ ટીમ હાલ 50 ઓવરની આ મેચમાં વિકેટકીપર પંતને તક આપી રહી છે. ગાવસ્કરે કહ્યું કે, ‘મારા મત પ્રમાણે ઋષભ પંત મહેન્દ્ર સિંહ ધોનીની જેમ પાંચમા કે છઠ્ઠા સ્થાન પર ફિનિશર તરીકે બેસ્ટ છે, કારણ કે તે આ નંબર પર પોતાનું બેસ્ટ આપી શકે છે’.



શ્રેયસ અય્યરના વખાણ કરતાં ગાવસ્કરે કહ્યું કે, ‘તેણે તકનો લાભ ઉઠાવ્યો. તે પાંચમાં નંબર પર ઉતર્યો. કારણ કે તેની પાસે ઘણી ઓવર હતી અને કેપ્ટન વિરાટ કોહલી તેની સાથે રમી રહ્યો હતો. આનાથી વધારે સારું કંઈ હોઈ શકે નહીં, કારણ કે કેપ્ટન તમારા પરનું દબાણ ઓછું કરે છે’.

ગાવસ્કરે કહ્યું હતું કે ઐયરને વન ડેમાં વધારે તક આપવી જોઈએ. મને લાગે છે કે આટલી સારી લયમાં હોવા છતા તેને મિડલ ઓર્ડરમાં સ્થાન બનાવવામાં મદદ ન મળે તો ખબર નથી કે કોને મળશે.