નવી દિલ્હીઃ ઈટલીમાં પુરુષોની એક ટેનિસ ટૂર્નામેન્ટ ‘બૉલ ગર્લ’ને ‘તે હૉટ છે કે નહીં’ પૂછનારા અમ્પાયરને તપાસ ચાલે ત્યાં સુધી પ્રતિબંધિત કરી દેવાયા છે. ATPએ મંગળવારે આ જાણકારી આપી. અમ્પાયર જિયાનલુકા મોસકારેલાએ ગત સપ્તાહે ઈટલીના ફ્લોરેન્સમાં ATP પુરુષ ટૂર્નામેન્ટ દરમિયાન છોકરીને આ વાત પૂછી. આ અમ્પાયર પર એક ખેલાડી પ્રત્યે અયોગ્ય વ્યવહાર કરવાનો પણ આરોપ છે.


સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોસકારેલા તે બોલ ગર્લને કહેતા નજરે પડે છે કે, ‘તું ઘણી સેક્સી છે, શું તું હોટ છે? શારીરિક તથા ભાવનાત્મક બંને રીતે…?’ આ ઘટના પેડ્રો સોસા તથા એનરિકો ડેલ્લા વચ્ચેની ચેલેન્જર ટૂર મેચ દરમિયાન બની છે.

ATPએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહે ફ્લોરેન્સ ખાતે બનેલી ઘટનાથી અમે માહિતગાર છીએ. જ્યારે અમને આ ઘટનાની ખબર પડી કે તરત જ અમે મોસકારેલાને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધા હતા અને સંપૂર્ણ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. તેમને અનિશ્ચિત સમય માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે અને એટીપી કેટલાક સમય માટે તેની સેવાઓ લેશે નહીં.