Pakistan Cricket in Crisis: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આવતા વર્ષે પાકિસ્તાનમાં થશે. પરંતુ આ પહેલા જ પાકિસ્તાન ક્રિકેટની હાલત ખરાબ થતી જોવા મળી રહી છે. તેનું કારણ ઈસ્લામાબાદમાં ચાલી રહેલ રાજકીય વિરોધ છે. તેની અસર સીધી ક્રિકેટ પર જોવા મળી રહી છે.


આ વિરોધના કારણે શ્રીલંકાની A ટીમ હવે પોતાના દેશ પરત ફરી રહી છે. તેણે પાકિસ્તાન શાહીન્સ સામે ચાલી રહેલી વનડે સીરિઝ અધવચ્ચે જ છોડી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ મંગળવારે (26 નવેમ્બર) કહ્યું કે તેણે આ અંગે શ્રીલંકન બોર્ડ સાથે ચર્ચા કરી છે.


પાકિસ્તાની ટીમ છેલ્લી મેચ જીતી હતી


આ પછી જ પીસીબીએ પાકિસ્તાન શાહીન્સ અને શ્રીલંકા A વચ્ચેની છેલ્લી બે 50 ઓવરની મેચ સ્થગિત કરી દીધી છે. રદ કરાયેલી મેચો બુધવાર અને શુક્રવારે રાવલપિંડીમાં રમાવાની હતી. વિરોધ પ્રદર્શન અંગે પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવીએ કહ્યું કે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે સૈન્ય બોલાવવામાં આવી છે.


પાકિસ્તાન શાહીન્સ અને શ્રીલંકા A ટીમો વચ્ચે સોમવારે ઇસ્લામાબાદમાં છેલ્લી મેચ રમાઇ હતી, જેમાં પાકિસ્તાને શ્રીલંકા A ને 108 રનથી હરાવ્યું હતું. હવે બંને ટીમો વચ્ચે સીરિઝની છેલ્લી બે મેચ રમવાની બાકી હતી. પીસીબીએ કહ્યું કે શ્રેણીની બાકીની મેચો માટે નવું શિડ્યૂલ તૈયાર કરવામાં આવશે, જેના માટે બંને બોર્ડ સાથે મળીને કામ કરશે.


ઈમરાનની મુક્તિ સામે વિરોધ


પીટીઆઈ કાર્યકર્તાઓ અને તેમના સમર્થકો ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથે ઈસ્લામાબાદ સુધી વિરોધ માર્ચ કાઢી રહ્યા હતા. સરકારે તેમને રસ્તામાં રોકવાનો પ્રયાસ કર્યો જે બાદ ઈમરાનના સમર્થકો ગુસ્સે થઈ ગયા હતા.


આ કારણથી પાકિસ્તાનની રાજધાની હાલમાં યુદ્ધનું મેદાન બની ગઈ છે. એક તરફ ઈમરાન ખાનના સમર્થકો છે તો બીજી તરફ જનરલ આસિમ મુનીરની સેના છે. ઈમરાનના સમર્થકો તેમને રોકવા માટે રસ્તાઓ પર ઉભા કરાયેલા કન્ટેનરની દિવાલો હટાવીને ઈસ્લામાબાદમાં પ્રવેશ્યા છે. ઈસ્લામાબાદ છાવણીમાં ફેરવાઈ ગયું છે.


ચેમ્પિયન્સ ટ્રોફીનો નિર્ણય 29 નવેમ્બરે લેવામાં આવશે


આગામી વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના કાર્યક્રમ અને સ્થળને લઈને હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ ટૂર્નામેન્ટને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજી શકે છે. આ બેઠક શુક્રવારે (29 નવેમ્બર) યોજાઇ શકે છે. આ બેઠકમાં મેચના કાર્યક્રમ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ હેઠળ યોજાશે કે નહીં અથવા તેને બીજા દેશમાં શિફ્ટ કરી શકાય છે.


પીસીબી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સતત તૈયારી કરી રહ્યું છે અને સ્ટેડિયમનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે ભારત સરકારે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં શ્રીલંકાની ટીમની વાપસી ચેમ્પિયન્સ ટ્રોફીની દૃષ્ટિએ પાકિસ્તાની બોર્ડ માટે મોટો ફટકો બની શકે છે.