Suraj Vashisht U-17 World Championship India Gold Medal: ભારતના યુવા રેસલર સૂરજ વશિષ્ઠે અંડર-17 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો હતો. તેણે કુસ્તીની 55 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સૂરજે ફાઈનલ મેચમાં અઝરબૈજાનના ફરાઇમ મુસ્તફાયેવને 11-0થી હરાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે સૂરજ આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારો ત્રીજો ભારતીય ગ્રીકો-રોમન રેસલર બન્યો છે. આ પહેલા પપ્પુ યાદવે 32 વર્ષ પહેલા દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અંડર 17 રેસલિંગ ચેમ્પિયનશિપમાં સૂરજની જીત ઐતિહાસિક છે. તે 32 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટમાં ભારત તરફથી ગોલ્ડ મેડલ જીત્યો છે. અગાઉ 1990માં પપ્પુએ ગોલ્ડ જીત્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતે આ ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. પપ્પુ પહેલા વિનોદ કુમારે 1980માં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. જો સૂરજની મેચની વાત કરીએ તો તેણે ખૂબ જ આક્રમક શરૂઆત કરી હતી. આ પછી તે આખી મેચ દરમિયાન અઝરબૈજાનના રેસલર પર ભારે રહ્યો હતો.
યુવા રેસલર સૂરજની જીત પર ઘણા લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા દ્વારા સૂરજને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સૂરજનો ફોટો ટ્વીટ કરીને લખ્યું, ‘સૂરજે ઈતિહાસ રચ્યો. 32 વર્ષ બાદ U17 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં દેશને ગોલ્ડ મેડલ મળ્યો છે.