નવી દિલ્હીઃ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે એવો કેચ પકડ્યો, જેને જોઈને બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તેને અત્યાર સુધીનો સૌથી રોમાંચક કેચ ગણવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ તો આ કેચના ખૂબ વખાણ કરી રહ્યા છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે પણ આ કેચના વખાણ કર્યા છે. આમ તો, આ કેચ થોડા મહિના જૂનો છે, પંરતુ શાનદાર કેચ હોવાને કારણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીની સુપર લીગ ગ્રુપ-એનાં મેચમાં મહારાષ્ટ્રનાં ફીલ્ડર ઋતુરાજ ગાયકવાડે શાનદાર ફીલ્ડિંગનું પ્રદર્શન કર્યું હતુ. મનજીત સિંહે મેચમાં વિશાલ ગિતેનાં બૉલ પર છગ્ગો ફટકારવાનો પુરો પ્રયાસ કર્યો અને તેમાં સફળ થતો પણ જોવા મળ્યો, પરંતુ લૉન્ગ ઑફ પર ગાયકવાડે લૉગ ઑન તરફ દોડ લગાવી, બાઉન્ડ્રી પર ઉછળીને એક હાથમાં બૉલ પકડ્યો અને પછી પોતાના સાથી દિવ્યાંગ હિમગનેકરની તરફ બૉલ ફેંક્યો અને હિમગનેરે બે-ત્રણ ડગલા પાછળ જઇને આસાન કેચ ઝડપ્યો.


આ કેચમાં રિપ્લે જોતા ખાસ વાત એ જોવા મળી કે કેવી રીતે ગાયકવાડે બૉલની ગતિનો ઉપયોગ કર્યો અને પગ જમીન પર પડે તે પહેલા જ બૉલને ઊંધા હાથે હવામાં ઉછાળ્યો. રિપ્લે જોયા બાદ થર્ડ અમ્પાયરે બેટ્સમેનને આઉટ આપ્યો.