નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ગઇકાલે ભારતીય ટીમે ટૂર્નામેન્ટની પ્રથમ જીત મેળવી, ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવીને પોતાની પ્રથમ જીત નોંધાવી છે, પરંતુ ભારત માટે આ મોડુ થઇ ગયુ છે, અગાઉની પ્રથમ બે મેચો હાર્યો બાદ ભારતીય ટીમને હવે સેમિફાઇનલમાં પહોંચવુ ઘણુ જ મુશ્કેલ બની ગયુ છે. તેમ છતાં એક આશા જીવિત છે, અને તે મહદઅંશે આંશિક છે. હવે ભારતને દારોમદાર આગળની મેચો પર રહેલો છે, અને એમાં પણ ખાસ કરીને અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પર રહેલો છો. જાણો કઇ રીતે.....
ભારત માટે મુશ્કેલ આ મેચ -
હવે આગળની 7મી નવેમ્બરે રમાનારી મેચ ભારત માટે ખુબ મહત્વની છે. આ ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ટીમ ઇન્ડિયા માટે મહત્વની સાબિત થશે, આ મેચથી નક્કી થશે કે ટીમ ઇન્ડિયાનો આગળનો સફર કેવો રહશે. જો ન્યૂઝીલેન્ડ અફઘાનીસ્તાનને હરાવી દેશે તો ભારત માટે સેમીફાઈનલમાં દરવાજા બંધ થઈ જશે. ન્યૂઝીલેન્ડ પોતાની બન્ને મેચ જીતી જશે તો તેના આઠ પોઈન્ટ થઈ જશે. આ સ્થિતિમાં સારી રન રેટ હશે તો પણ કોઈ ફરક નહીં પડે કારણ કે ભારત પાસે છ પોઈન્ટ જ હશે.
રન રેટ બેસ્ટ કરવાની તક ગુમાવી દીધી -
ગઇકાલે રમાયેલી મેચમાં ટીમ ઇન્ડિયા પાસે રનરેટને સારી કરવાની બેસ્ટ તક હતી. ભારતીય ટીમ ગઇકાલે જો અફઘાનિસ્તાનને 99 રનની અંદર રોકી દીધુ હોતો તો ભારતનો રનરેટ અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બન્ને કરતાં બેસ્ટ થઇ જતો, સેમિ ફાઇનલની રાહ આસાન થઇ જતી પરંતુ ભારતીય ટીમ તે કરી શકી નહીં. ભારતને અફઘાનિસ્તાન સામે જીત તો મળી અને 66 રનના મોટા માર્જીનથી હરાવ્યું પણ ખરુ, જોકે, હજુ પણ ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધારે છે.
સેમિફાઇનલમાં પહોંચવા ભારત માટે શું છે મહત્વનુ -
અફઘાનિસ્તાન સામેની જીત પછી હજુ પણ સેમીફાઈનલમાં પહોંચવાની ભારતની આશા જીવંત છે. જોકે રન રેટમાં ભારત અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બન્નેથી પાછળ છે. પરંતુ સારી વાત એ છે કે ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને માત્ર 16 રને જ હરાવ્યું છે. ભારતે પોતાની બાકીની બન્ને મેચ મોટા અંતરે જીતવી પડશે, સાથે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દે તે જરૂરી છે. ભારત સામેની હાર પછી અફઘાનિસ્તાનની રન રેટ ઘણી ઘટી ગઈ છે. જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દેશે તો ભારત, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડના છ-છ પોઈન્ટ થઈ જશે. પણ રન રેટ સારી હોવાના કારણે ભારત સેમી ફાઈનલમાં પહોંચી જશે. ભારતની આગામી મેચ 5 નવેમ્બરના રોજ સ્કોટલેન્ડ સામે અને 8 નવેમ્બરના રોજ નામીબિયા સામે છે.