India vs South Africa Test: ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા પ્રવાસે છે, પ્રથમ ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ બીજી અને ત્રીજી ટેસ્ટમાં આફ્રિકાએ વળતી લડત આપીને ટેસ્ટ સીરીઝ પોતાના નામે કરી લીધી છે. કેપ્ટન કોહલીએ ટેસ્ટ સીરીઝ અને ત્રીજી ટેસ્ટ ગુમાવી છતાં ટેસ્ટ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. કેપટાઉનમાં ટેસ્ટમાં કેપ્ટન કોહલી 100 ટેસ્ટ કેચ પકડવાના લિસ્ટમાં સામેલ થઇ ગયો છે.


વિરાટે મેળવી મોટી સિદ્ધિ-
કેપટાઉન ટેસ્ટમાં વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાની પ્રથમ ઇનિંગમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વિરાટ કોહલીએ 55.2 ઓવરમાં ટેમ્બા બાવુમાનો કેચ લીધો, જે તેની ટેસ્ટ કારકિર્દીનો 100મો કેચ હતો. વિરાટ કોહલી ટેસ્ટ કરિયરમાં 100 કેચ ઝડપનાર છઠ્ઠો ભારતીય બની ગયો છે. ટેસ્ટમાં સૌથી વધુ કેચ પકડનારની યાદીમાં રાહુલ દ્રવિડ 163 કેચ સાથે ટોપ પર છે. તે જ સમયે બીજા નંબર પર રહેલા વીવીએસ લક્ષ્મણે પોતાની કારકિર્દીમાં 135 શિકાર બનાવ્યા હતા. 115 કેચ ઝડપનાર સચિન તેંડુલકર ત્રીજા સ્થાને છે જ્યારે સુનીલ ગાવસ્કર 108 કેચ સાથે ચોથા અને મોહમ્મદ અઝહરુદ્દીન 105 કેચ સાથે પાંચમા સ્થાને છે.


ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ કેચ કરનાર ભારતીય
163 કેચ – રાહુલ દ્રવિડ
135 કેચ – વીવીએસ લક્ષ્મણ
115 કેચ – સચિન તેંડુલકર
108 કેચ – સુનીલ ગાવસ્કર
105 કેચ – મોહમ્મદ અઝહરુદ્દીન
100 કેચ – વિરાટ કોહલી


કેપટાઉન ટેસ્ટમાં મળી હાર, સીરીઝ પણ ગુમાવી
ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો, સેન્ચૂરિયનમાં જીત બાદ જ્હોનિસબર્ગ અને કેપટાઉનમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતીય ટીમે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ પણ ગુમાવી દીધી છે. ખાસ વાત છે કે આફ્રિકન ધરતી પર ભારત 1992થી ક્યારેય ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ થયુ નથી.