રાંચીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાંચી ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચના ત્રીજા દિવસે સોમવારે ભારતે સાઉથ આફ્રિકાને પ્રથમ ઇનિંગમાં 162 રન પર ઓલઆઉટ કરી ફોલોઓન આપ્યું હતું. ત્યારબાદ બીજી ઇનિંગમાં પણ સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી અને 63 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. મેચ દરમિયાન ઉમેશ યાદવનો એક બાઉન્સર ડીન એલ્ગરના હેલમેટને વાગ્યો હતો.
વાસ્તવમાં 9.3 ઓવરમાં ઉમેશ યાદવના બોલ ડિન એલ્ગરના હેલમેટને એટલા જોરથી વાગ્યો હતો કે એલ્ગર ત્યાં જ પિચ પર બેસી ગયો હતો. વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાના ખેલાડી એલ્ગરની પાસે પહોંચ્યા હતા. ફિઝિયો પણ એલ્ગરનેજોવા મેદાન પર આવ્યા હતા. એલ્ગરે ઇજાના કારણે ટી-બ્રેક જાહેર કરી દેવાઇ હતી. જે બોલ એલ્ગરને વાગ્યો હતો તેની સ્પીડ 145 કિલોમીટર પ્રતિ કલાકની હતી.
ટી-બ્રેક બાદ રમત શરૂ થઇ ત્યારે એલ્ગર મેદાન પર આવ્યો નહોતો અને તેમના સ્થાને જ્યોર્જ લિંડે બેટિંગ કરવા આવ્યો હતો. એલ્ગરને તપાસ માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. રિપોર્ટ અનુસાર, થ્યુનિસ ડિબ્રૂન ડીન એલ્ગરનું સ્થાન લેશે. મેચમાં હવે ડીન એલ્ગર નહી રમે.