US Open 2023: સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે યુએસ ઓપન 2023નું ટાઇટલ પોતાના નામે કરી દીધું છે. જોકોવિચે ન્યૂયોર્કના માર્ગારેટ કોર્ટમાં રમાયેલી ફાઇનલમાં ડેનિલ મેદવેદેવને હરાવીને તેનું 24મું ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. સર્બિયાના 36 વર્ષીય અનુભવી ખેલાડીએ 6-3, 7-6 (7-5), 6-3થી જીત મેળવી હતી.
જોકોવિચે પ્રથમ સેટ 6-3થી સરળતાથી જીતી લીધો હતો. આ પછી બીજા સેટમાં જોકોવિચ અને મેદવેદેવ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી જે એક કલાક અને 44 મિનિટ સુધી ચાલી હતી. જોકોવિચે આ સેટ 7-6 (7-5)થી જીત્યો હતો. ત્રીજા સેટમાં જોકોવિચે મેદવેદેવને 6-3થી હરાવ્યો હતો.
જોકોવિચનું ચોથું યુએસ ઓપન ટાઇટલ
જોકોવિચ બીજા સેટમાં થોડો પરેશાન દેખાતો હતો, પરંતુ તેણે તેનું ચોથું યુએસ ઓપન ટાઇટલ જીતી લીધું હતું. આ વર્ષની શરૂઆતમાં જોકોવિચે 22 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાના રાફેલ નડાલના રેકોર્ડને તોડી દીધો હતો. જોકોવિચને જૂલાઈમાં વિમ્બલ્ડનની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેણે 2023માં ચારમાંથી ત્રણ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.
અમેરિકાની યુવા મહિલા ટેનિસ ખેલાડી કોકો ગોફે શનિવારે યુએસ ઓપનની ફાઇનલમાં બેલારુસની અરિના સાબાલેન્કાને હરાવીને યુએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. 19 વર્ષની ગોફની કારકિર્દીનું આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ગોફે શાનદાર વાપસી કરી હતી અને મેચ 2-6, 6-3, 6-2થી જીતી લીધી હતી.
ગૉફ 2017 પછી આ ટાઇટલ જીતનારી પ્રથમ અમેરિકન ખેલાડી બની છે. આ સિદ્ધિ છેલ્લે સોલન સ્ટીફને 2017માં મેળવી હતી. ગોફ 1999 પછી યુએસ ઓપન જીતનાર પ્રથમ અમેરિકાની યુવા ખેલાડી છે. સેરેના વિલિયમ્સે 1999માં આ સિદ્ધિ હાંસલ કરી હતી.