US Open 2024, Coco Gauff Rohan Bopanna: ટેનિસ ચાહકો હાલમાં ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન 2024 સીઝનની રોમાંચક મેચોનો આનંદ માણી રહ્યા છે. પરંતુ તેમના માટે સોમવારે (2 સપ્ટેમ્બર) એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે, મહિલા સિંગલ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોકો ગોફને અપસેટનો સામનો કરવો પડ્યો હતો.






ભારતીય ચાહકો પણ નિરાશ દેખાયા હતા. રોહન બોપન્ના અને યુકી ભાંબરી પણ મેન્સ ડબલ્સમાં હાર્યા બાદ બહાર થઈ ગયા છે. 20 વર્ષીય કોકો ગોફને ચોથા એટલે કે પ્રી-ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં હારીને બહાર થવું પડ્યું હતું.


અમેરિકન ટેનિસ સ્ટાર કોકો ગોફને તેના જ દેશની એમ્મા નાવારોએ ટક્કર આપી હતી. 12મી ક્રમાંકિત એમ્માએ આ મેચમાં ત્રીજી ક્રમાંકિત કોકો ગૉફને 6-3, 4-6, 6-3થી હરાવી હતી. બંને સ્ટાર્સ વચ્ચેની આ મેચ 2 કલાક 12 મિનિટ સુધી ચાલી હતી. કોકો ગોફે 2023 યુએસ ઓપનનું સિંગલ્સ ટાઈટલ જીત્યું હતું.


બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની જોડી પણ હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી.


બીજી તરફ ત્રીજા રાઉન્ડમાં રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન જોડીદાર મેથ્યુ એબ્ડેનની હાર સાથે યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના મેન્સ ડબલ્સમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો. બોપન્ના અને એબ્ડેનની બીજી ક્રમાંકિત જોડી મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીની 16મી ક્રમાંકિત આર્જેન્ટિનાની જોડી સામે રવિવારે રાત્રે રમાયેલી મેચમાં 66 મિનિટમાં 1-6, 5-7થી હારી ગઈ હતી.


બોપન્ના અને એબ્ડેને આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. 44 વર્ષીય બોપન્નાએ ડેવિસ કપમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે અને તે જોવાનું રસપ્રદ રહેશે કે તે જાન્યુઆરી 2025માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાના ટાઈટલનો બચાવ કરવા કોર્ટમાં ઉતરશે કે કેમ.


યુકી ભાંબરી પણ ડબલ્સમાં હારીને બહાર થઈ ગયો હતો


સુમિત નાગલ શરૂઆતના રાઉન્ડમાં હાર સાથે મેન્સ સિંગલ્સની બહાર થઈ ગયો હતો જ્યારે યુકી ભાંબરી અને એન શ્રીરામ બાલાજી અગાઉ ટૂર્નામેન્ટના વિવિધ તબક્કામાં મેન્સ ડબલ્સમાં હારી ગયા હતા. યુએસ ઓપનના મેન્સ ડબલ્સના ત્રીજા રાઉન્ડમાં ભારતના યુકી ભાંબરી અને તેના સાથીદાર ફ્રાન્સના અલ્બાનો ઓલિવેટ્ટી રવિવારે ટોચના ક્રમાંકિત માર્સેલ ગ્રાનોલર્સ અને હોરાસિયા ઝેબાલોસ સામે સીધા સેટમાં હાર્યા બાદ યુએસ ઓપનમાંથી બહાર થઈ ગયા હતા. સ્પેન અને આર્જેન્ટિનાની ટોચની ક્રમાંકિત જોડીએ ભારત અને ફ્રાન્સની જોડીને 6-2, 6-2થી હરાવી હતી.


બોપન્નાનો પડકાર મિશ્ર ડબલ્સમાં યથાવત છે. જ્યાં તેણે ઇન્ડોનેશિયાની અલ્દિલા સુત્જિયાદી સા જોડી બનાવી છે. રસપ્રદ વાત એ છે કે તે અને એબ્ડેન હવે એકબીજાની સામે રમશે.


ICC ચેમ્પિયન્સ ટ્રૉફી પર મોટું અપડેટ, પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં ભારતની હાજરી મામલે શું આપ્યુ નિવેદન, જાણો