નવી દિલ્હીઃ પાકિસ્તાની ફાસ્ટ બૉલર શાહિન આફ્રિદીનો એક વીડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં શાહિન આફ્રિદી ભારતીય બેટ્સમેનોની બેટિંગની નકલ કરતો દેખાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતીય ટૉપ ઓર્ડરને શાહિન આફ્રિદીએ ધરાશાયી કરી દીધો હતો, અને અંતે પાકિસ્તાન વર્લ્ડકપ ઇતિહાસમાં ભારત સામે પ્રથમવાર મેચ જીતવામાં સફળ રહ્યું હતુ.
તાજેતરમાં જ પાકિસ્તાન અને નામિબિયા વચ્ચે વર્લ્ડકપની મેચ રમાઇ હતી, આ વીડિયો આ મેચનો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઇએ તો, પાકિસ્તાની ફાસ્ટ બૉલર શાહિન આફ્રિદી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો છે, આ દરમિયાન કેટલાક દર્શકો સ્ટેડિયમમાંથી ભારતીય બેટ્સમેનોના નામની બૂમો પાડી રહ્યાં છે, આ દરમિયાન શાહિન આફ્રિદી એકદમ મજાકિયા મૂડમાં રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીના આઉટ થવાની નકલ કરી રહ્યો છે. ખાસ વાત છે કે, શાહિન આફ્રિદીએ ભારતના રોહિત, રાહુલ અને વિરાટને પેવેલિયન મોકલીને જીતનો પાંયો નાંખી દીધો હતો.
ટી20 વર્લ્ડકપ 2021માં શાહિન આફ્રિદીના પરફોર્મન્સની વાત કરીએ તો તેને અત્યાર સુધી પાંચ મેચોમાં છ વિકેટો ઝડપી છે. તેની બૉલિંગ ઇકૉનોમી પણ 6.70ની છે, જે પાકિસ્તાન માટે ખુબ મહત્વની રહી છે. આ ઉપરાંત પાકિસ્તાન તરફથી શાહિન આફ્રિદીની સાથે હેરિસ રાઉફ અને હસન અલી શાનદાર બૉલિંગ કૉમ્બિનેશન કરી રહ્યાં છે.
ટી-20 વર્લ્ડકપના હાઈ વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતુ
વિરાટ કોહલીની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની કોઈપણ મેચમાં પહેલીવાર પાકિસ્તાન સામે હારી છે. ભારતે પાકિસ્તાનને જીતવા માટે 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વિના પાર કરી લીધો હતો. આ હાર બાદથી દિગ્ગજ ક્રિકેટરો સતત ભારતીય ટીમને નિશાન બનાવી રહ્યા છે.