સચિન તેંડુલકરે જણાવ્યું કે તેમની સફળતા માટે તેમના પરિવાર તથા તેમના ગુરુ આચરેકર સરનું ઘણું મોટું યોગદાન રહ્યું છે. સચિને જણાવ્યું હતું કે તેમને હજુ પણ યાદ છે કે જ્યારે તેઓ પ્રથમ સિલેક્શન ટ્રાયલ્સ માટે ગયા હતા ત્યારે પસંદગીકારોએ તેમને રિજેક્ટ કરીને પસંદ કર્યા નહોતા. તેમણે સચિનને વધારે મહેનત કરીને રમતમાં સુધારો કરવાની સલાહ આપી હતી. તે સમયે સચિન ખૂબજ નિરાશ થઈ ગયા હતા.
સચિને કહ્યું કે, ‘એ સમયે હું નિરાશ હતો, કેમકે મને લાગ્યું કે, હું સારી બેટિંગ કરતો હતો, પરંતુ પરિણામ આશા મુજબ ન હતું અને મારું સિલેક્શન ન કરાયું.’
સચિને વધુમાં જણાવ્યું કે, ‘તે પછી મારું ધ્યાન, પ્રતિબદ્ધતા અને વધુ મહેનત કરવાની ક્ષમતા વધી ગઈ. જો તમે તમારા સપનાને સાકાર કરવા ઈચ્છો છો તો ‘શોર્ટ-કટ’થી મદદ નથી મળતી.’ તેમણે ટેસ્ટમાં 15,921 અને વન-ડેમાં 18,426 રન બનાવ્યા છે.
સચિને એમ પણ જણાવ્યું હતું કે ક્રિકેટમાં તેમની સફળતા માટે તેઓ તેમના પરિવારના હંમેશાં ઋણી રહીશે. તેમની મોટી બહેને તેમને ઘણું સમર્થન આપ્યું હતું અને તેણે જ સચિનને જીવનનું સૌથી પહેલું ક્રિકેટનું બેટ ભેટ આપ્યું હતું. લગ્ન બાદ પત્ની અંજલિએ પણ ઘણું યોગદાન આપ્યું છે.