નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ રવિવારે ઇતિહાસ રચી દીધો, તેને ન્યૂઝીલેન્ડને દુબઇમાં રમાયેલા ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં (T20 World Cup-2021) 8 વિકેટથી હાર આપી દીધી. આ સાથે જ ઓસ્ટ્રેલિયા આ ટી20 ફોર્મેટમાં પહેલીવાર ચેમ્પિયન બની ગયુ. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ જીત બાદ જબરદસ્ત રીતે જશ્ન મનાવ્યો, ખેલાડીઓના જશ્નનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જે ખુબ વિચિત્ર રીતે સેલિબ્રેશનનો છે.
આઇસીસીએ એક વીડિયો સોમવારે શેર કર્યો છે, જેમાં મેથ્યૂ વેડ (Matthew Wade) અને માર્કસ સ્ટૉઇનિસને (Marcus Stoinis) પોતાના જૂતામાં બિયર નાંખીને પીતા જોઇ શકાય છે.
દુબઇના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલ મેચ રમાઇ, ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન વિલિયમસને દમદાર ઇનિંગ રમી હતી, વિલિયમસને 48 બૉલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 85 રનની ઇનિંગ રમી હતી. જોકે બાદમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર બેટિંગ કરીને આ લક્ષ્યને 18.5 ઓવરમાં જ હાંસલ કરી દીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મિશેલ માર્શ 50 બૉલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રનની બેસ્ટ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. આ ઉપરાંત ડેવિડ વૉર્નરે પણ 38 બૉલમાં 55 રનની શરૂઆતી ઇનિંગ રમી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની જીત થઇ અને ટી20 ફોર્મેટમાં કાંગારુ ટીમ પ્રથમ વાર ચેમ્પિયન બની હતી.
ઓસ્ટ્રેલિયા પ્રથમવાર ટી20માં ચેમ્પિયન બન્યુ-
ટી20 ફોર્મેટમાં આ પહેલા ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ ચેમ્પિયન બની ચૂક્યુ છે, વર્ષ 2021માં પ્રથમવાર ટી20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાએ ખિતાબ પોતાન નામે કર્યો છે. જોકે, બીજીબાજુ સળંગ આઇસીસી ટૂર્નામેન્ટમાં ફાઇનલ રમનારી ન્યૂઝીલેન્ડની ટીમને ફરી એકવાર નિરાશા હાથ લાગી છે.