Wimbledon 2023 Winner: કાર્લોસ અલ્કારાઝે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં નોવાક જોકોવિચને 1-6, 7-6, 6-1, 3-6, 6-4થી હરાવીને વિમ્બલ્ડન 2023 પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. સ્પેનિશ સ્ટાર અલ્કારાઝનું આ પ્રથમ વિમ્બલ્ડન ટાઈટલ છે. આ અગાઉ,વિમ્બલ્ડનમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2021માં આવ્યું હતું. ત્યારબાદ તેને ટાઈટલ મેચમાં રનર અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો. 2022માં તે ચોથા સ્થાને હતો. આવો એક નજર કરીએ ટાઈટલ મેચમાં બંને ખેલાડીઓના પ્રદર્શન પર.
અનુભવી જોકોવિચ અને જોસીલા અલ્કારાઝ વચ્ચે આ રીતે જંગ જામ્યો
ફાઇનલમાં બંને ખેલાડીઓએ પોતાની પ્રતિષ્ઠા મુજબ જોરદાર પ્રદર્શન કર્યું હતું. જોકોવિચે પ્રથમ સેટ 6-1થી સરળતાથી જીતી લીધો હતો. ત્યારપછી અલ્કારાઝે બીજો સેટ 7-6થી જીતીને વાપસી કરી હતી. ત્રીજા સેટમાં યુવા અલ્કારાઝે પોતાની ગતિ જાળવી રાખી હતી અને 6-1થી જીત મેળવી હતી. ચોથા સેટમાં જોકોવિચે દૃઢ મનોબળ બતાવ્યું અને 6-3થી જીત મેળવી. અલ્કારાઝે 5મો સેટ 6-4થી જીત્યો હતો.
વિમ્બલ્ડન ટાઈટલ જીતનાર ત્રીજો સ્પેનિશ ખેલાડી બન્યો અલ્કારાઝ
વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર અને ટાઇટલ જીતનાર અલ્કારાઝ ત્રીજો સ્પેનિશ ખેલાડી બન્યો છે. તેના પહેલા રાફેલ નડાલે 2008 અને 2010માં આ ખિતાબ જીત્યો હતો. એ જ રીતે 1966માં ટાઇટલ કબજે કરનાર મેન્યુઅલ સેન્ટાના ફાઇનલમાં પહોંચ્યો હતો. અલ્કારાઝ (20 વર્ષ 72 દિવસ) 2006ની ફાઇનલમાં નડાલ (20 વર્ષ અને 36 દિવસ) બાદ વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યો છે.
અલ્કારાઝે 2023માં તેની 47મી ટુર-લેવલ જીત મેળવી
અલ્કારાઝે હવે સિઝનમાં તેની 47મી ટુર-લેવલ જીત મેળવી છે. આ જીત સાથે આ વર્ષે ગ્રાન્ડ સ્લેમમાં તેનો જીત-હારનો રેકોર્ડ 12-1 થઈ ગયો છે. તેનો એકંદરે ગ્રાન્ડ સ્લેમ જીત-હારનો રેકોર્ડ 36–8 છે, જેમાં વિમ્બલ્ડનમાં 11–2નો સમાવેશ થાય છે. જોકોવિચ સામે અલ્કારાઝની આ બીજી જીત છે. તે તેની સામે એક મેચ પણ હારી ચૂક્યો છે.
વિમ્બલ્ડન 2023માં અલ્કારાઝનું પ્રદર્શન કેવું રહ્યું?
અલ્કારાઝે તેમની શરૂઆતની બે મેચમાં ફ્રાન્સના જેરેમી ચાર્ડી અને એલેક્ઝાન્ડ્રે મુલરને સીધા સેટમાં હરાવ્યા હતા. ત્રીજા રાઉન્ડમાં, તેણે નિકોલસ જેરીને 6–3, 6–7, 6–3, 7–5થી હરાવ્યો અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તેણે ઈટાલીના માટ્ટેઓ બેરેટિનીને 3–6, 6–3, 6–3, 6–3 થી હરાવ્યો હતો. ક્વાર્ટર ફાઈનલમાં તેણે હોલ્ગર રૂનને 7–6, 6–4, 6–4થી અને સેમિફાઈનલમાં ત્રીજા ક્રમાંકિત ડેનિલ મેદવેદેવને 6–3, 6–3, 6–3થી હરાવ્યો હતો.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial