ICC ODI Ranking: ભારતના યુવા બેટ્સમેન શુભમન ગીલને વિશ્વનો સર્વશ્રેષ્ઠ વનડે બેટ્સમેન જાહેર કરવામાં આવ્યો છે. ICC દ્વારા બહાર પાડવામાં આવેલી લેટેસ્ટ વનડે રેન્કિંગ અનુસાર, શુભમન ગીલ હવે વનડે ફોર્મેટમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન છે. અગાઉ વનડે ફોર્મેટમાં નંબર-1નો તાજ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના માથે હતો. જોકે, હવે શુભમન ગીલે બાબર આઝમને પછાડીને ICC રેન્કિંગમાં નંબર-1નું સ્થાન મેળવ્યું છે.


વનડેમાં નંબર-1 બેટ્સમેન બન્યો શુભમન ગીલ 
શુભમન ગીલ છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં છે. તેણે વનડે, ટેસ્ટ અને ટી-20 એમ ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વનડે ફોર્મેટમાં શુભમન ગીલે એટલું સારું પ્રદર્શન કર્યું કે ભારતીય ટીમ મેનેજમેન્ટે શિખર ધવન જેવા તેજસ્વી ખેલાડીની પણ અવગણના કરવી પડી. ગીલ આ વર્લ્ડકપમાં પણ પોતાનું સર્વશ્રેષ્ઠ ફોર્મ લઈને આવ્યો હતો, પરંતુ બાબર આઝમ ICC વનડે રેન્કિંગમાં ટોચ પર બેઠો હતો. વર્લ્ડકપ મેચો દરમિયાન બાબર આઝમનું બેટ કામ કરતું ન હતું અને શુભમન ગીલે ઘણી વખત સારી ઇનિંગ્સ રમી હતી, જેની અસર ICC વનડે રેન્કિંગમાં જોવા મળી હતી.


હવે ODI રેન્કિંગની દ્રષ્ટિએ શુભમલ ગીલના 830 પૉઈન્ટ છે. આ સાથે જ બીજા સ્થાને રહેલા બાબર આઝમના 824 પૉઈન્ટ છે. આ યાદીમાં ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કૉક છે, જેના 771 પોઈન્ટ છે. આ ત્રણ સિવાય વિરાટ કોહલીએ પણ આ વર્લ્ડકપમાં 500થી વધુ રન બનાવીને ICC વનડે રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. વિરાટ કોહલી હવે રોહિત શર્મા અને ડેવિડ વોર્નરને પાછળ છોડીને ચોથા સ્થાને આવી ગયો છે.


ICC વનડે રેન્કિંગમાં વિરાટના 770 પોઈન્ટ છે. આનો અર્થ એ છે કે વિરાટ ડી કૉકથી વધુ પાછળ નથી અને કેટલીક સારી ઇનિંગ્સ બાદ વિરાટ ICC વનડે રેન્કિંગમાં નંબર-3 પર પણ આવી શકે છે. વિરાટ બાદ ઓસ્ટ્રેલિયાનો ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર નંબર-5 પર છે, જેના 743 પોઈન્ટ છે. વળી, વોર્નર પછી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા નંબર-6 પર છે, જેના 739 પોઈન્ટ છે.