નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કાઉન્સિલે (ICC) સોમવારે યોજાયેલી બોર્ડની બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો, આ બેઠકમાં ઝિમ્બાબ્વે અને નેપાલને ફરીથી સભ્ય બનાવવામાં આવ્યા છે, એટલે કે બન્ને દેશો હવે ફરીથી ક્રિકેટની દુનિયામાં આવી ગયા છે. બન્ને દેશો હવે ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમી શકશે.

ઉલ્લેખનીય છે કે, આઇસીસીએ ઝિમ્બાબ્વે અને નેપાલને આ વર્ષે જુલાઇમાં બોર્ડના કામકાજમાં સરકારી દખલગીરી કરવાના મામલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.


આઇસીસીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, અહીં આઇસીસી ચેરમેન, મુખ્ય કાર્યકારી અધિકારી, ઝિમ્બાબ્વે ક્રિકેટ ચેરમેન તાવેંગ્વા મુખુહલાની અને ઝિમ્બાબ્વેની રમત મંત્રી કસ્ટ્રી કોવેન્ટ્રી અને સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન કમિશનના ચેરમેન જેરાલ્ડ એમલોટશ્વાની સાથે થયેલી બેઠક બાદ ઝિમ્બાબ્વેને ફરીથી આઇસીસીની સદસ્યતા આપી દેવામાં આવી છે.