નવી દિલ્હીઃ સોમવારે ભારતે ચીનની વધુ 47 એપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પહેલા ગત મહિને ભારત સરકારે ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આમ ચીનની કુલ 106 એપ પર ભારતે પ્રતિબંધ લગાવ્યા બાદ ચીન દૂતાવાસના પ્રવક્તા જી રોંગે મંગળવારે કહ્યું કે, ચીની કંપનીઓના અધિકારો અને તેમના હિતોની રક્ષા માટે જરૂરી ઉપાય કરશે.


જી રોંગે એક નિવેદનમાં કહ્યું, WeChat સહિત ચાઈનીઝ પૃષ્ઠભૂમિવાળી 59 મોબાઇલ એપ પર ભારતના પ્રતિબંધે ચીની કંપનીઓના માન્ય અધિકારો અને હિતોને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. બજારના સિદ્ધાંતો મુજબ આંતરારાષ્ટ્રીય રોકાણકારોના કાનૂની અધિકારો અને હિતોનું રક્ષણ કરવાની ભારત સરકારની જવાબદારી છે.

તેમણે કહ્યું, ચીનની સરકાર બાહ્ય સહયોગ આપીને ચીનની કંપનીઓને આંતરરાષ્ટ્રીય નિયમો તથા સ્થાનીક કાયદાનું પાનલ કરવા કહે છે. ચીન અને ભારત વચ્ચે વ્યાવહારિક સહયોગ પારસ્પરિક રીતે લાભદાયી છે. ચીન તેમના દેશની કંપનીઓના અધિકારો તથા હિતોના રક્ષણ માટે જરૂરી ઉપાય કરશે.

ભારતીય અધિકારીઓ તરફથી ચીનના પ્રવક્તાની ટિપ્પાણી પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.