BSNL 5G smartphone: જ્યારથી રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઇડિયાએ તેમના રીચાર્જ પ્લાન્સને મોંઘા કર્યા છે, જાણે BSNLની લોટરી લાગી ગઈ છે. ટેલિકોમ સેક્ટરમાં BSNL ખૂબ જ ચર્ચામાં છે. આ સમયે BSNLના સસ્તા રીચાર્જ પ્લાન્સ, 4G નેટવર્ક અને 5G નેટવર્કની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં BSNLના 5G ફોનની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.


તમને જણાવી દઈએ કે ખાનગી કંપનીઓના રીચાર્જ પ્લાન્સ મોંઘા થયા બાદ BSNL સતત નવા નવા ઓફર્સ લાવી રહ્યું છે. 3 જુલાઈ પછીથી BSNLના ગ્રાહકોની સંખ્યામાં પણ અચાનક વધારો જોવા મળ્યો છે જે વર્ષો પછી થયું છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં કેટલાક એવા સમાચાર પણ જોવા મળ્યા જેમાં એવું સામે આવી રહ્યું છે કે હવે કંપની તેના યુઝર્સ માટે 5G સ્માર્ટફોન લાવી રહી છે. હવે આ મામલે BSNL India તરફથી ટ્વીટ શેર કરીને માહિતી આપવામાં આવી છે.


સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારેય પણ કંઈપણ વાયરલ થવા લાગે છે. ઘણી વખત વાયરલ સમાચાર સાચા પણ હોય છે તો ઘણી વખત લોકોને કરવામાં આવેલા વાયદા ખોટા પણ સાબિત થાય છે. આ સમયે સોશિયલ મીડિયામાં BSNLના 5G સ્માર્ટફોનના લોન્ચ થવાના સમાચાર ઝડપથી સામે આવી રહ્યા છે. BSNLને લઈને એવા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે કે કંપની જલ્દી જ પોતાનો 5G સ્માર્ટફોન પણ લોન્ચ કરવા જઈ રહી છે જેમાં 200 મેગાપિક્સલનો કેમેરા હશે.


BSNLના 200 મેગાપિક્સલવાળા ફોનની ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. એટલું જ નહીં વાયરલ સમાચારમાં તો એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે BSNL પોતાનો 5G સ્માર્ટફોન ટાટા કંપની સાથે મળીને તૈયાર કરી રહ્યું છે અને તેમાં 7000mAhની બેટરી મળશે.






BSNLના 5G સ્માર્ટફોન અંગેના સમાચાર પર હવે ખુદ કંપનીએ ટ્વીટ કરીને મોટી માહિતી આપી છે. BSNL India તરફથી આ મામલે ટ્વીટ શેર કરીને ગ્રાહકોને જણાવ્યું છે કે 5G સ્માર્ટફોન લોન્ચ કરવાના સમાચાર સંપૂર્ણપણે બનાવટી છે. કંપનીએ કહ્યું કે આ પ્રકારની પોસ્ટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


કંપનીએ તેના ચાહકો અને ગ્રાહકોને એલર્ટ પણ કર્યા છે. BSNLએ કહ્યું કે જો 5G સ્માર્ટફોનના નામે કોઈ તમારી પાસેથી પૈસા લઈ રહ્યું છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે BSNL આ સમયે ખૂબ જ ચર્ચામાં છે. મોંઘા પ્લાન્સથી બચવા માટે લોકો હવે BSNLની તરફ શિફ્ટ થઈ રહ્યા છે. દેશભરના ઘણા રાજ્યોમાં BSNL યુઝર્સની સંખ્યા લાખોમાં વધી ચૂકી છે.