ઈન્ટરનેટના આ ઓનલાઈન યુગમાં બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે. આ કામ કરતી વખતે લોકો તેમની માહિતી સર્વિસ પ્રોવાઈડર વેબસાઈટ સાથે શેર કરતા હોય છે. જો કે, ગ્રાહકોની આ જાણકારી ક્યારેક લીક પણ થઈ જતી હોય છે અને તેનો ફાયદો થર્ડ પાર્ટી ઉઠાવતી હોય છે. ઓનલાઈન ટ્રાવેલ કંપની ક્લિયરટ્રિપ ડેટા સાથે આવું જ કંઈક થયું છે. ક્લિયરટ્રિપની આંતરિક સિસ્ટમમાંથી ડેટા લીક થયો છે. આ અંગે કંપનીએ તેના ગ્રાહકોને ઈમેલ પણ મોકલ્યો છે.
પેરેન્ટ કંપની ફ્લિપકાર્ટની આ ટ્રાવેલ સાઈટ ક્લિયરટ્રિપે જણાવ્યું છે કે, કોઈ સંવેદનશીલ માહિતી લીક થઈ નથી. જોકે, સુરક્ષાના કારણોસર કંપનીએ ગ્રાહકોને પાસવર્ડ બદલવા માટે કહ્યું છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે સાયબર ઓથોરિટીના સંપર્કમાં છે અને આ માટે કાયદા મુજબ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.
જો કે, સિક્યુરીટી રિસર્ચર સની નેહરાએ ક્લિયર ટ્રીપના આ ડેટા લિકના બનાવ અંગે ટ્વિટર પર એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. તેણે તેને મોટી ઘટના ગણાવી છે અને લખ્યું છે કે ક્લિયરટ્રિપ મોટા ડેટા બ્રીચનો શિકાર બની છે. આ સ્ક્રીનશોટ થ્રેટ એક્ટરે ખાનગી ફોરમ ઉપર ડેટા વેચવા માટે પોસ્ટ કર્યો હતો. ટ્વીટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, તમે જોઈ શકો છો કે આ ઉલ્લંઘન નવું છે. આમાં ગ્રાહકોની એન્ટ્રીની માહિતી તેમજ કંપનીની આંતરિક ફાઇલોનો સમાવેશ થાય છે.
નેહરાએ શેર કરેલ સ્ક્રીનશોટ દર્શાવે છે કે, આ હેક આ વર્ષે એપ્રિલ-મે વચ્ચે થયું હતું. તમને જણાવી દઈએ કે, ક્લિયરટ્રિપની વેબસાઈટ અને મોબાઈલ એપ્સ દ્વારા ફ્લાઈટ્સ અને હોટલ બુક કરવાની સુવિધા મળે છે જેનો ઉપયોગ લાખો લોકો કરતા હોય છે. 17 જુલાઈના રોજ, સાયબર ઘટના અંગે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે, તેમણે જણાવ્યું હતું કે કોઈ સંવેદનશીલ ડેટાની ચોરી થઈ નથી.