Parcel Delievery Scam: આ દિવસોમાં કૌભાંડના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્કેમ્સ સ્માર્ટફોન યુઝર્સ માટે માથાનો દુખાવો બની ગયા છે. આંકડાઓ પણ તેની સાક્ષી પૂરે છે. દેશમાં દરરોજ હજારો લોકો ઓનલાઈન કૌભાંડનો શિકાર બની રહ્યા છે. સ્કેમર્સ સ્કેમિંગની નવી નવી પદ્ધતિઓ અપનાવતા રહે છે. હાલમાં જ એક નવું કૌભાંડ સામે આવ્યું છે, જેને લઈને સરકારી એજન્સી સાયબર દોસ્તે પણ એલર્ટ જાહેર કર્યું છે.
એજન્સીએ નવા કૌભાંડની માહિતી આપી છે. આ કૌભાંડ મોટાભાગે iPhone યુઝર્સ સાથે થઈ રહ્યું છે. iMessage પર iPhone યુઝર્સને એક મેસેજ મોકલવામાં આવી રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ખોટા એડ્રેસને કારણે તમારું પાર્સલ ડિલિવર થઈ રહ્યું નથી. આ મેસેજનો 24 કલાકની અંદર જવાબ આપવાનો રહેશે નહીં તો પાર્સલ પરત કરવામાં આવશે. આ મેસેજની સાથે વેબ લિંક પણ આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ એક ફેક મેસેજ છે અને તેની સાથે આપેલી લિંક પર ક્લિક કરીને સ્કેમર્સ તમને પોતાનો શિકાર બનાવી શકે છે.
ખોટી લિંક પર ક્લિક કરશો નહીં
જો તમે ધ્યાનથી જોશો તો આ મેસેજમાં ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટનું URL ખોટું છે. આવી સ્થિતિમાં આ મેસેજ વિશે ફરિયાદ કરો અને લિંક પર ક્લિક કરવાની ભૂલ ન કરો. આ સિવાય તમારે બેંક ખાતાની માહિતી ન આપવી જોઈએ અને પૈસા મોકલવાની પણ ભૂલ ના કરવી જોઈએ. જો તમને આવો મેસેજ મળે તો તરત જ નંબર બ્લોક કરો અને પોલીસને ફરિયાદ કરો.
ઓનલાઈન માહિતી આપવાનું ટાળો
કોઈપણ વેબસાઇટ પર તમારી અંગત માહિતી શેર કરવાનું ટાળો. ઘણી વખત ઓનલાઈન ખરીદી કરતી વખતે તમે તમારી માહિતી આપો છો, જેના પછી આ સ્કેમર્સ તમને મેસેજ કરે છે અને પછી છેતરપિંડીની નવી પદ્ધતિઓ અપનાવે છે. આવી સ્થિતિમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.