નવી દિલ્હી: ગૂગલે પર્સનલ લોન સાથે જોડાયેલી અનેક એપ્સ પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. ગુરુવારે ગૂગલે કહ્યું કે, તેણે ભારતમાં પોતાના ઓનલાઈન પ્લેસ્ટોર પરથી સેકડો પર્સનલ લોન એપ્સની સમીક્ષા કરી છે અને ઘણી એપ્સને હટાવી દીધી છે. યૂઝર્સ અને સરકારી એજન્સીઓએ આ એપ્સને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.


જો કે, ગૂગલે પ્લે સ્ટોરે કેટલી એપ્સ હટાવી છે તેની સંખ્યા જણાવી નથી. પરંતુ ફિનટેક એક્સપર્ટ શ્રીકાંતે કહ્યું કે, ગૂગલે છેલ્લા 10 દિવસમાં ઓછામાં ઓછી 118 આવી એપ્સને હટાવી દીધી છે.

કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, “ગૂગલે કહ્યું કે જે એપ યૂઝર્સ સેફ્ટી પોલિસીનું ઉલ્લંઘન કરી રહી હતી. તેને તાત્કાલિક પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. ગૂગલે અન્ય એપ ડેવલપર્સને કહ્યું કે, તે દર્શાવે કે કઈ રીતે તેઓ સ્થાનિક કાયદા અને નિયમનોનું પાલન કરી રહ્યા છે. જો આવું કરવામાં તેઓ નિષ્ફળ રહશે તો તેની એપને પણ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ તેલંગણા પોલીસે ઘણી એવા રેકેટ્સનો પર્દાફાશ કર્યો હતો જેમાં છેતરપિંડી કરનારી લોન એપ્સ સામેલ હતી. જે યૂઝર્સને હાઈ રેટ પર લોનની ઓફર આપી હતી. અને બાદમાં ધમકી સહિત અન્ય રીતથી હેરાન કરીને રિપેમેન્ટ માટે બ્લેકમેલ કરતા હતા. પોલીસે ગૂગલને પ્લે સ્ટોર પરથી 158 એપ્સ હટાવવા પણ કહ્યું હતું.

બ્લોગમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, યૂઝર્સની પ્રાઈવસીની સુરક્ષા માટે ડેવલપર્સને માત્ર તેની પરમિશનનો અનુરોધ કરવો જોઈએ જે વર્તમાન સુવિધાઓ કે સેવાઓને લાગુ કરવા માટે જરૂરી છે.