Fake Loan Apps: આજકાલ એવી ઘણી એપ્સ છે જે મિનિટોમાં લોન આપે છે. ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી એવી એપ્સ ઉપલબ્ધ છે જે માત્ર થોડા દસ્તાવેજોના આધારે લોન આપે છે. કેટલાક એવા પણ છે જ્યાં કોઈ દસ્તાવેજોની જરૂર નથી. જોકે, હવે ગૂગલે નકલી લોન એપ્સ સામે મોટી કાર્યવાહી કરી છે. ગૂગલે સપ્ટેમ્બર 2022 થી ઓગસ્ટ 2023 વચ્ચે પ્લે સ્ટોર પરથી 2,200 થી વધુ નકલી લોન એપને દૂર કરી છે.


યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૂગલે કડક પગલાં લીધાં છે. આ કાર્યવાહી નકલી લોન એપ્સનો સામનો કરવા અને ગ્રાહકોને નાણાકીય કૌભાંડોથી બચાવવાના સરકારના સતત પ્રયાસોને અનુસરે છે.


મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) અનુસાર, ગૂગલે એપ્રિલ 2021 થી જુલાઈ 2022 સુધી લગભગ 3,500 થી 4,000 લોન એપ્સની સમીક્ષા કરી અને તેમાંથી 2,500 થી વધુને પ્લે સ્ટોર પરથી પ્રતિબંધિત કરી દીધી. ગૂગલે સપ્ટેમ્બર 2022 થી ઓગસ્ટ 2023 સુધીના આગલા સમયગાળા દરમિયાન 2,200 થી વધુ કપટપૂર્ણ લોન એપ્લિકેશનોને દૂર કરીને તેની કાર્યવાહી ચાલુ રાખી છે.


આ સિવાય ગૂગલે પણ પોતાની પોલિસીમાં ફેરફાર કર્યો છે. ગૂગલે પ્લે સ્ટોર પર લોન એપ્સના અમલીકરણ અંગે તેની નીતિ અપડેટ કરી છે. Google માત્ર રેગ્યુલેટેડ એન્ટિટી (REs) દ્વારા અથવા REs સાથે સહયોગ કરીને પ્રકાશિત થયેલી એપને જ મંજૂરી આપે છે. ભારતમાં લોન એપ્સના વધી રહેલા ગ્રાફને ધ્યાનમાં રાખીને ટેક જાયન્ટે આ નિર્ણય લીધો છે.


નકલી લોન એપથી સાવધ રહો


નકલી લોન એપ્સથી પોતાને બચાવવા માટે ગ્રાહકોએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.


તમારી અંગત માહિતી ભૂલથી પણ એવી એપ પર શેર કરશો નહીં જે RBI દ્વારા નોંધાયેલ નથી.


Google Play અથવા Apple App Store જેવા સત્તાવાર સ્ટોરમાંથી જ એપ્સ ડાઉનલોડ કરો.


નકલી લોન આપતી એપ્સની જાળમાં ફસાશો નહીં. આવી એપ લોન આપ્યા પછી તમારા પર ઊંચા વ્યાજ દરો અથવા એડવાન્સ ફી ચૂકવવાનું દબાણ કરે છે.


જો તમારી સાથે આવું કંઈક થાય, તો તરત જ સંબંધિત અધિકારીઓને તેની જાણ કરો.


ગેરકાયદે લોન એપ્સ સહિત સાયબર ઘટનાઓની જાણ કરવા નાગરિકોને સશક્ત બનાવવા માટે, ગૃહ મંત્રાલયે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (www.cybercrime.gov.in) અને રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ‘1930’ શરૂ કર્યો છે. વધુમાં, સાયબર ગુનાઓ સામે જાગરૂકતા વધારવાના હેતુથી વિવિધ સરકારી પહેલ કરવામાં આવી છે, જેમાં સોશિયલ મીડિયા દ્વારા સાયબર સુરક્ષા ટીપ્સ ફેલાવવી, કિશોરો/વિદ્યાર્થીઓ માટે હેન્ડબુક પ્રકાશિત કરવી અને સાયબર સેફ્ટી એન્ડ સિક્યુરિટી અવેરનેસ વીકનું આયોજન કરવું.