Income From X is subjected to GST? આજકાલ સોશ્યલ મીડિયા પરથી કમાણી કરવાનો ટ્રેન્ડ ખુબ જ વધી રહ્યો છે, લોકો સોશ્યલ મીડિયા એપ્સ અને અન્ય પ્લેટફોર્મ પરથી લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. જો તમે એલન મસ્કની કંપની X દ્વારા કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો એ પણ ધ્યાનમાં રાખો કે તમારે આવક પર ટેક્સ ચૂકવવો પડશે. હકીકતમાં પીટીઆઈના એક રિપોર્ટમાં નિષ્ણાતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 20 લાખ રૂપિયાથી વધુ છે તો તેને 18 ટકા જીએસટી ચૂકવવો પડશે. (એટલે કે 30%+18%). એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે X થી થતી આવકને GST કાયદા હેઠળ લાવવામાં આવશે અને જે લોકોનું ભાડું, બેંક FD અને અન્ય વ્યાવસાયિક સેવાઓ પરની વાર્ષિક આવક 20 લાખ રૂપિયાથી વધુ હશે તેમને 18% ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે.
એલન મસ્કે ગયા મહિને એડ રેવન્યૂ શેરિંગ (Ads revenue Sharing) પ્રૉગ્રામ શરૂ કર્યો હતો. આ અંતર્ગત કંપની જાહેરાતથી થતી કમાણીનો અમૂક હિસ્સો જાણીતા ક્રિએટર્સની સાથે શેર કરે છે. X માંથી પૈસા કમાવવા માટે તમારે અમૂક શરતો પૂરી કરવી પડશે.
આ 3 શરતો પુરી કર્યા બાદ શરૂ થઇ જશે તમારી કમાણી -
X માંથી પૈસા કમાવવા માટે સૌથી પહેલા તમારું એકાઉન્ટ વેરિફાઇડ હોવું જરૂરી છે, એટલે કે તમે X પ્રીમિયમમાં સબ્સ્ક્રાઇબ કરેલું હોવું જોઈએ. આ પછી તમારા એકાઉન્ટમાં છેલ્લા 3 મહિનામાં 5 મિલિયનથી વધુ ટ્વીટ ઇમ્પ્રેશન્સ હોવા જોઈએ (ફક્ત વેરિફાઈડ એકાઉન્ટ્સ જ ગણાશે). ઉપરાંત એકાઉન્ટ પર 500 એક્ટિવ યૂઝર્સ હોવા જોઈએ. આ 3 શરતો પૂરી કર્યા પછી તમે પ્લેટફોર્મ પરથી પણ કમાણી કરી શકો છો. એવા ક્રિએટર્સ કે જેઓ પહેલાથી જ અન્ય પ્લેટફોર્મ પર સ્થાપિત થઈ ચૂક્યા છે તેમના માટે આ કમાણીની મોટી તક છે. તેઓ હવે ટ્વીટર પર પણ એક્ટિવ રહીને મોટી કમાણી કરી શકે છે.