ISROના ચેરમેન વી નારાયણને શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતે આગામી ત્રણ વર્ષમાં અવકાશમાં તેના ઉપગ્રહોની સંખ્યા હાલના 55 થી લગભગ ત્રણ ગણી વધારવી પડશે.

'ભારતીય અવકાશ કાર્યક્રમ - સિદ્ધિઓ, પડકારો અને ભવિષ્યના પરિપ્રેક્ષ્ય' વિષય પર જીપી બિરલા મેમોરિયલ લેક્ચર આપતા નારાયણને કહ્યું કે, 2040 સુધીમાં ભારત અવકાશ ટેકનોલોજી, એપ્લિકેશન ક્ષેત્ર અને માળખાગત સુવિધાઓની દ્રષ્ટિએ અન્ય કોઈપણ દેશની સમકક્ષ હશે.

તેમણે એમ પણ કહ્યું કે ISRO દ્વારા આ વર્ષે 12 લોન્ચ વ્હીકલ મિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી મિશન, NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર (NISAR), 30 જુલાઈના રોજ ભારતના GSLV F16 દ્વારા લોન્ચ કરવામાં આવશે.

તેમણે કહ્યું, "હવે અમે આપણું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા પર કામ કરી રહ્યા છીએ. અમે આપણું ચંદ્રયાન લેન્ડિંગ કરવા જઈ રહ્યા છીએ. હાલમાં, 55 ઉપગ્રહો ભ્રમણકક્ષામાં છે. આગામી ત્રણ વર્ષમાં, આ સંખ્યા લગભગ ત્રણ ગણી થઈ જશે. જરૂરિયાત ખૂબ મોટી છે. માંગ એટલી વધારે છે કે, આપણે ઉપગ્રહો બનાવવા પડશે. અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ."

 

બાદમાં, પત્રકારો સાથે વાત કરતા, તેમણે કહ્યું કે, ભારત 2035 માં એક પૂર્ણ અવકાશ મથક બનાવશે અને પ્રથમ મોડ્યુલ 2028 માં ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.

નારાયણને કહ્યું કે જ્યાં સુધી અવકાશ ક્ષેત્રમાં સુધારાનો સવાલ છે, ત્યાં સુધી ઘણું કામ ચાલી રહ્યું છે અને પહેલા ISROનું કાર્યકારી મોડેલ સેવાલક્ષી હતું, પરંતુ હવે તે વ્યાપારી તકોનો લાભ લેવા માંગે છે.