iPhone 18 leaks and rumors: એપલના આગામી iPhone ની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો માટે એક જબરદસ્ત અપડેટ સામે આવ્યું છે. જોકે એપલ તરફથી હજુ સુધી iPhone 18 સિરીઝ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ માર્કેટમાં નવા લીક્સ સતત વાયરલ થઈ રહ્યા છે. આ રિપોર્ટ્સમાં ફોનની લોન્ચ તારીખથી લઈને દમદાર પ્રોસેસર, કેમેરાના અદભુત અપગ્રેડ્સ અને કિંમત સુધીની તમામ નાની-મોટી વિગતોનો ખુલાસો થયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે એપલ પોતાની લોન્ચ સ્ટ્રેટેજીમાં મોટા ફેરફારો કરી શકે છે. તો ચાલો, iPhone 18 સિરીઝ વિશે અત્યાર સુધીમાં જે પણ માહિતી લીક થઈ છે, તે વિગતવાર જાણીએ.

Continues below advertisement

ક્યારે લોન્ચ થશે iPhone 18?

ઇન્ડસ્ટ્રીના અનેક રિપોર્ટ્સનું માનીએ તો, એપલ સપ્ટેમ્બર 2026 માં તેના પ્રીમિયમ મોડલ્સ એટલે કે iPhone 18 Pro અને iPhone 18 Pro Max માર્કેટમાં ઉતારી શકે છે. ચર્ચા તો એવી પણ છે કે આ જ સમયગાળામાં કંપની પોતાનો પહેલો-વહેલો ફોલ્ડેબલ આઇફોન (Foldable iPhone) પણ રજૂ કરી શકે છે. બીજી તરફ, તેના સ્ટાન્ડર્ડ મોડલ્સ એટલે કે iPhone 18 અને નવો iPhone 18e વર્ષ 2027 ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. જો ખરેખર આવું થશે, તો એપલના ઈતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે તેના પ્રો અને સ્ટાન્ડર્ડ મોડલ્સ અલગ-અલગ સમયે લોન્ચ થશે. જોકે, કંપનીએ આ નવી વ્યૂહરચના અંગે હજુ સુધી મૌન સેવ્યું છે.

Continues below advertisement

A20 ચિપ સાથે મળશે સુપરફાસ્ટ પર્ફોર્મન્સ

લીક થયેલી માહિતી મુજબ, iPhone 18 સિરીઝમાં સૌથી મોટો બદલાવ તેના પ્રોસેસરમાં જોવા મળશે. પ્રો મોડલ્સમાં અત્યાધુનિક 2nm ટેકનોલોજી પર બનેલી A20 Pro ચિપસેટ આપવામાં આવી શકે છે, જ્યારે સ્ટાન્ડર્ડ મોડલ્સમાં A20 ચિપ જોવા મળી શકે છે. નિષ્ણાતોનો દાવો છે કે આ નવી ચિપસેટને કારણે ફોનની સ્પીડ અને પર્ફોર્મન્સમાં તો નોંધપાત્ર વધારો થશે જ, સાથે બેટરીનો વપરાશ પણ ઘટશે. આ ઉપરાંત, તેમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ના ફિચર્સ વધુ સ્મૂથ અને બહેતર રીતે કામ કરશે.

કેમેરા અને ડિસ્પ્લેમાં મોટા અપગ્રેડ

જો તમને ફોટોગ્રાફીનો શોખ છે, તો iPhone 18 Pro મોડલ્સનો કેમેરો તમને ચોક્કસ ગમશે. રિપોર્ટ્સ મુજબ, આ ફોનમાં 'વેરિએબલ અપર્ચર' (Variable Aperture) વાળો પ્રાઇમરી કેમેરા આપવામાં આવી શકે છે. આ ફિચરની મદદથી કેમેરા લેન્સમાં આવતા પ્રકાશને જરૂરિયાત મુજબ કંટ્રોલ કરી શકાશે. પરિણામે, પોટ્રેટ શોર્ટ્સ અને ઓછા પ્રકાશમાં (Low-light) લીધેલા ફોટાની ગુણવત્તા એકદમ શાનદાર આવશે. આ સિવાય નવી ડિસ્પ્લે ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ શકે છે, જે સ્ક્રીનની બ્રાઇટનેસ વધારવાની સાથે પાવર એફિશિયન્સી પણ વધારશે.

12GB RAM અને નાનું ડાયનેમિક આઇલેન્ડ

એક મોટો દાવો એવો પણ થઈ રહ્યો છે કે આ વખતે એપલ તેના પ્રો વેરિઅન્ટમાં 12GB RAM આપી શકે છે. આટલી મોટી રેમ આપવા પાછળનું મુખ્ય કારણ 'એપલ ઇન્ટેલિજન્સ' (Apple Intelligence) ના એડવાન્સ AI ફિચર્સને સપોર્ટ આપવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત, કંપની ફોનની સ્ક્રીન પર દેખાતા ડાયનેમિક આઇલેન્ડની સાઇઝ પણ પહેલા કરતા નાની કરી શકે છે. જોકે, સ્ક્રીનની અંદર જ (અંડર-ડિસ્પ્લે) ફેસ ID આપવાની વાતોને હાલ પૂરતી બહુ સચોટ માનવામાં નથી આવતી.

કિંમત કેટલી હોઈ શકે?

iPhone 18 સિરીઝની કિંમતને લઈને એપલે હજુ કોઈ સત્તાવાર ખુલાસો કર્યો નથી. પરંતુ બજારના એનાલિસ્ટ્સ માને છે કે નવી ચિપસેટ, અપગ્રેડેડ કેમેરા હાર્ડવેર અને અન્ય મોંઘા પાર્ટ્સને કારણે iPhone 18 Pro મોડલ્સની કિંમતમાં ચોક્કસ ઉછાળો આવી શકે છે. બીજી તરફ, સ્ટાન્ડર્ડ iPhone 18 ની કિંમત પ્રો મોડલ્સ કરતા હંમેશાની જેમ ઓછી રહેશે. અલબત્ત, આ ફોનની સાચી કિંમત તો કંપની જ્યારે સત્તાવાર જાહેરાત કરશે ત્યારે જ સામે આવશે.