Elon Musk: જ્યારથી એલન મસ્કે ટ્વીટરને હસ્તગત કર્યુ છે, ત્યારથી કંપનીમાં તેઓ કંઇક ને કંઇક ફેરફારો કરી રહ્યાં છે. આ માટે તેમની પ્રશંસા અને ટીકા બંને થઈ રહી છે. હવે રિપોર્ટ છે કે એલન મસ્ક બહુજ જલદી ટ્વીટરની ચકલીને ઉડાડી દેશે, એટલે કે એલન મસ્ક ટ્વીટરની ઓળખ બદલવા તૈયાર થયા છે. બહુ જલદી ટ્વીટરને નવો લૉગો મળશે. ખરેખરમાં, એલન મસ્ક ટ્વીટરનો લોગો એટલે કે બર્ડ હટાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમને હાલમાં જ એક ટ્વીટ કર્યું છે- "ટૂંક સમયમાં અમે ટ્વીટર બ્રાન્ડને અને ધીમે ધીમે તમામ પક્ષીઓને અલવિદા કહીશું."


બીજા એક ટ્વીટમાં એલન મસ્કે કહ્યું - "જો આજે રાત્રે કૂલ X લૉગો પૉસ્ટ કરવામાં આવશે, તો અમે આવતીકાલે તેને સમગ્ર વિશ્વમાં લાઇવ કરીશું." આ પહેલા પણ મસ્ક ટ્વીટરની પૉલીસીમાં કેટલાય ફેરફાર કરી ચૂક્યા છે જેની સીધી અસર દુનિયાભરના યૂઝર્સ પર પડી છે.


શું પક્ષીની જગ્યા લેશે X 
હવે જ્યારે એલન મસ્કે ટ્વીટરનો લૉગો બદલવાનો સંકેત આપ્યો છે ત્યારે કેટલાય લોકોના મનમાં સવાલ ઉઠવા લાગ્યો છે કે, નવો લૉગો કેવો હશે ? એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એલન મસ્કે તેની મોટાભાગની કંપનીઓના નામ અને લૉગોમાં Xનો સમાવેશ કર્યો છે, તેથી ટ્વીટરના નવા લૉગો પર પણ Xનું પ્રભુત્વ રહેશે.


એલન મસ્ક દ્વારા તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલી આર્ટિફિશિયલ કંપનીનું નામ પણ xAI રાખવામાં આવ્યું છે. વળી, મસ્કની સ્પેસ એક્સપ્લૉરેશન ટેક્નૉલોજી કોર્પૉરેશન કંપનીનું નામ પણ સ્પેસએક્સ છે. હવે મસ્ક ટ્વીટર બર્ડ લૉગોને X સાથે બદલવાની પણ તૈયારી કરી રહી છે. તેમને ટ્વીટમાં લખ્યું કે લૉગો આવો હશે પરંતુ તેમાં X હશે.




યૂઝર્સે સજેસ્ટ કર્યો નવો Logo 
એલન મસ્કે આજે ​​સવારે 9.30 વાગ્યે આ ટ્વીટ કર્યું હતું. આ નવી જાહેરાત બાદ અત્યાર સુધીમાં 40 લાખથી વધુ યૂઝર્સ તેમની ટ્વીટ જોઈ ચૂક્યા છે. ઘણા યૂઝર્સે આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી અને લૉગો સંબંધિત જુદાજુદા મીમ્સ શેર કર્યા હતા.


ઉલ્લેખનીય છે કે, હાલમાં જ એલન મસ્કે એક નવો નિયમ બનાવ્યો હતો, જેના અંતર્ગત સાઈન ઈન કર્યા વગર લોકો ટ્વીટ જોઈ શકશે નહીં. અગાઉ યૂઝરની પ્રૉફાઇલ અથવા ટ્વીટ જોવા માટે ટ્વીટર પર એકાઉન્ટ બનાવવાની જરૂર ન હતી. મસ્કે આ નિયમ વિશે દલીલ કરી હતી કે ટ્વીટરમાંથી એટલો ડેટા બહાર આવી રહ્યો છે કે સામાન્ય યૂજર્સની સર્વિસ પર નકારાત્મક અસર પડી રહી છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial