નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીના કારણે અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ ની સલાહ આપી રહી છે. એવામાં કંપનીઓ પોતાના અધિકારીઓ સાથે મીટિંગ વીડિયો એપ ZOOM દ્વારા કરી રહી છે. આ એપની ખાસિયત એ છે કે, એક સાથે અનેક લોકો સાથે વીડિયો કોલ પર જોડાઈને વાતચીત કરી શકાય છે. લોકડાઉન દરમિયાન આ એપનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે હવે આ એપને લઈ ગૃહમંત્રાલયે કહ્યું કે તેનાથી પ્રાઈવેસીનો ખતરો છે.

ગૃહમંત્રાલયે આ એપને લઈ એડવાઈઝરી પણ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, વીડિયો કોલિંગ માટે આ એપનો ઉપયોગ સુરક્ષિત નથી. આ એપનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો. આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓ સાથે મીટિંગ આ એપ મારફતે કરી રહ્યાં છે.


ઉલ્લેખનીય છે કે, ભારતમાં ખાનગી કંપનીઓ મોટાપ્રમાણમાં આ એપનો ઉપયોગ કરી રહ્યાં છે. એટલું જ નહીં સ્કૂલોમાં પણ બાળકોને ભણાવવા માટે આ એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ZOOM એપ પર યૂઝર્સની પ્રાઈવસીમાં હસ્તક્ષેપ અને ડેટા ચોરી જેવા આરોપ લાગ્યા હતા. હાલમાં જ એક રિપોર્ટ પણ આવ્યો હતો કે, ZOOMના યૂઝર્સની ડિટેલ વેચવામાં આવી રહી છે. જેમાં યૂઝર્સ ડિટેલમાં પર્સનલ મીટિંગ યૂઆરએલથી લઈ ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ્સ પણ સામેલ હતા.