mobile recharge price hike: ભારતના કરોડો મોબાઈલ વપરાશકર્તાઓ (Mobile Users) માટે માઠા સમાચાર આવી રહ્યા છે. જો તમે પણ દર મહિને ડેટા અને કોલિંગ પાછળ સેંકડો રૂપિયા ખર્ચો છો, તો તૈયાર રહેજો, કારણ કે આવનારું વર્ષ તમારા ખિસ્સા પર વધુ ભાર નાખનારું સાબિત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અને આર્થિક વિશ્લેષણો મુજબ, ટેલિકોમ કંપનીઓ ૨૦૨૬માં તેમના 4G અને 5G રિચાર્જ પ્લાન ના ભાવમાં તોતિંગ વધારો કરવાની તૈયારી કરી રહી છે.

Continues below advertisement

ભાવમાં કેટલો વધારો થઈ શકે?

ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસ ફર્મ 'મોર્ગન સ્ટેનલી' (Morgan Stanley) ના તાજેતરના અહેવાલે ગ્રાહકોની ચિંતા વધારી દીધી છે. આ રિપોર્ટ અનુસાર, ભારતમાં મોબાઈલ રિચાર્જ પ્લાનની કિંમતોમાં સીધો ૧૬ થી ૨૦ ટકાનો વધારો ઝીંકવામાં આવી શકે છે. અગાઉ એવી ધારણા હતી કે ભાવવધારો ધીમે-ધીમે થશે, પરંતુ વર્તમાન સંકેતો મુજબ કંપનીઓ અપેક્ષા કરતા વહેલો અને મોટો વધારો કરી શકે છે. જો આમ થશે, તો છેલ્લા ૮ વર્ષમાં આ ચોથો સૌથી મોટો 'ટેરિફ હાઈક' (Tariff Hike) હશે. અગાઉ ૨૦૧૯, ૨૦૨૧ અને ૨૦૨૪માં ભાવ વધારવામાં આવ્યા હતા.

Continues below advertisement

શા માટે વધી રહ્યા છે ભાવ?

આ ભાવવધારા પાછળનું મુખ્ય કારણ 5G નેટવર્ક (5G Network) પાછળ થયેલું જંગી રોકાણ છે. રિલાયન્સ જિયો અને એરટેલ જેવી દિગ્ગજ કંપનીઓએ દેશભરમાં 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. હવે જ્યારે નેટવર્કનું કામ મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે, ત્યારે કંપનીઓ આ ખર્ચની વસૂલાત અને નફો વધારવા માટે ટેરિફ પ્લાન મોંઘા કરી શકે છે. કંપનીઓનો મુખ્ય ઉદ્દેશ્ય તેમના 'પ્રતિ યુઝર સરેરાશ આવક' (ARPU) ને વધારવાનો છે. આ સ્થિતિમાં એરટેલ જેવી કંપનીઓને સૌથી વધુ આર્થિક ફાયદો થવાની શક્યતા છે.

પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પર અસર 

આ ભાવવધારો માત્ર પ્રીપેડ ગ્રાહકો પૂરતો સીમિત નહીં રહે. રિપોર્ટ અનુસાર, પોસ્ટપેડ યુઝર્સ ને પણ ઊંચા બિલ ચૂકવવા પડી શકે છે. વળી, કંપનીઓ હવે ધીમે-ધીમે સસ્તા અને પોસાય તેવા રિચાર્જ પ્લાન બંધ કરીને ગ્રાહકોને મોંઘા પ્લાન લેવા મજબૂર કરી રહી છે. OTT પ્લેટફોર્મના સબસ્ક્રિપ્શન જેવા ફાયદાઓ પણ હવે માત્ર મોંઘા પ્લાનમાં જ મર્યાદિત કરવામાં આવી રહ્યા છે.

ગ્રાહકોએ શું કરવું? 

આવનારા સમયમાં તમારે ડેટા વપરાશ અને રિચાર્જ પ્લાનની પસંદગી બાબતે વધુ સાવચેત રહેવું પડશે. બિનજરૂરી ડેટા પ્લાન લેવાને બદલે તમારી જરૂરિયાત મુજબના પેક પસંદ કરવા હિતાવહ રહેશે.