Meta AI Glasses: મેટા હવે એવા AI-પાવર્ડ સ્માર્ટ ગ્લાસિસ લાવવાની તૈયારીમાં છે, જે તમારી લગભગ દરેક એક્ટિવિટી પર નજર રાખી શકશે. તમે શું જોઈ રહ્યા છો, શું સાંભળી રહ્યા છો અને ક્યાં-ક્યાં ગયા છો, તે જેવી માહિતી આ સ્માર્ટ ગ્લાસિસ નોંધશે. એટલું જ નહીં, તે તમારી વાતચીતને યાદ રાખી શકશે અને તમે અગાઉ મુલાકાત લીધેલી જગ્યાઓને પણ ઓળખી શકશે.
જો તમે આ ગ્લાસિસને પૂછશો કે આખા દિવસ દરમિયાન શું થયું હતું, તો તે AI અસિસ્ટન્ટની જેમ તમને દિવસભરની તમામ મહત્વની માહિતી જણાવી શકશે. જોકે આ સુવિધાઓ આકર્ષક લાગે છે, પરંતુ પ્રાઇવસીના દૃષ્ટિકોણથી તે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે.
નવું ફીચર કેવી રીતે કામ કરશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેટા તેના હાલના મોડેલના એક ફીચરને વધુ વિકસાવીને નવા સ્માર્ટ ગ્લાસિસમાં સામેલ કરી રહી છે. આંતરિક રીતે તેને 'Super Sensing' નામ આપવામાં આવ્યું છે.
હાલના મોડેલમાં આ ફીચરને મેન્યુઅલી ચાલુ કરવું પડે છે, પરંતુ નવા સ્માર્ટ ગ્લાસિસમાં તે ડિફૉલ્ટ રીતે સક્રિય રહેશે. એટલે કે, ગ્લાસિસ સતત વિઝ્યુઅલ અને ઓડિયો માહિતી એકત્રિત કરતા રહેશે. આ માહિતી મેટા AI સુધી પહોંચશે, જેથી તે યુઝરના પ્રશ્નોના વધુ સચોટ અને સંદર્ભ આધારિત જવાબ આપી શકે.
જો આ ટેક્નોલોજી બજારમાં આવશે, તો સ્માર્ટ ગ્લાસિસ વધુ સ્માર્ટ બની જશે અને વ્યક્તિગત AI અસિસ્ટન્ટ અથવા ગાઇડની જેમ કામ કરી શકશે.
દર થોડા સેકન્ડે ફોટા અને ઓડિયો રેકોર્ડ કરશે
રિપોર્ટ મુજબ, પ્રોટોટાઇપ સ્માર્ટ ગ્લાસિસને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તે દર થોડા સેકન્ડે ફોટો કૅપ્ચર કરશે અને સતત આસપાસના અવાજ પર નજર રાખશે.
મેટાનું કહેવું છે કે ફોટા અને ઓડિયો રેકોર્ડિંગને કાયમી રીતે સ્ટોર કરવામાં આવશે નહીં. તેના બદલે માત્ર તેમાંથી જરૂરી મેટાડેટા કાઢીને કંપનીના સર્વર પર અપલોડ કરવામાં આવશે, જેથી Meta AI યુઝરના પ્રશ્નોના વધુ અસરકારક જવાબ આપી શકે.
આ પણ વાંચો: Apple Watch ધરાવતા લોકો ભૂલથી પણ ન કરે આ ભૂલો, નહિતર થઇ શકે છે હજારો રૂપિયાનું નુકસાન
પ્રાઇવસીને લઈને વધી રહી છે ચિંતા
ભલે મેટા દાવો કરે છે કે, તે ફોટા અને ઓડિયો કાયમી રીતે સ્ટોર નહીં કરે, છતાં સર્વેલન્સ અને લોકોની સંમતિ (Consent)ને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
પ્રાઇવસી મામલે મેટાનો અગાઉનો ટ્રેક રેકોર્ડ પણ વિવાદાસ્પદ રહ્યો છે. ઉપરાંત, ફેશિયલ રિકગ્નિશન ટેક્નોલોજીના ઉપયોગને લઈને પણ કંપની અગાઉ અનેક વખત ટીકાનો સામનો કરી ચૂકી છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે Super Sensing ફીચરને ફોટો અથવા વીડિયો રેકોર્ડિંગ મોડ તરીકે નહીં પરંતુ AI ફંક્શન તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. તેથી, આ ફીચર સક્રિય હોય ત્યારે સ્માર્ટ ગ્લાસિસ પર લાગેલી LED ઇન્ડિકેટર લાઇટ બંધ રહેશે.
આ કારણે સામેની વ્યક્તિને ખબર પણ નહીં પડે કે તેની આસપાસની માહિતી અથવા વાતચીત AI દ્વારા પ્રોસેસ થઈ રહી છે કે નહીં. પરિણામે, લોકોની જાણ અથવા તેમની સંમતિ વિના માહિતી એકત્રિત થવાની આશંકા વધુ વધી શકે છે.
