નવી દિલ્હી: PUBG ની ભારતમાં વાપસીને લઈને પબજી લવર્સ રાહ જોઈ રહ્યાં છે. પરંતુ નવા સમાચારથી પબજી લવર્સને મોટો ઝટકો લાગી શકે છે. ભારતમાં PUBG Mobile Indiaના લોન્ચની અટકળો વચ્ચે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોરમેશન ટેકનોલોજી મંત્રાલયે (MEITY) સ્પષ્ટ કરી દીધું છે કે, કેન્દ્ર સરકારે PUBG Mobile ને ભારતમાં ફરી લોન્ચ કરવાની અનુમતિ આપી નથી.
એક આરટીઆઈના જવાબમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, PUBGને ભારતમાં રિલોન્ચ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરટીઆઈમાં એ વાત પર સ્પષ્ટતાની માંગ કરવામાં આવી હતી કે, શું Krafton કે તેના સહાયક PUBG Corporationએ પબજીને રિલોન્ચ કરવાની અનુમતિ માંગવામાં આવી છે કે નહીં. તેના જવાબમાં મંત્રાલયે કહ્યું કે, ફરીથી લોન્ચ કરવાની કોઈ અનુમતિ પબજીને આપવામાં આવી નથી.


ગત મહિને જ પબજી કોર્પોરેશને ભારતમાં ફરીથી પબજી મોબાઈલ ઈન્ડિયા ગેમને જલ્દીજ રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સુરક્ષાના કારણોસર 118 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.