ભારતમાં નિકટના ભવિષ્યમાં ટિકટોક ફરી શરૂ થશે એવી આશા રાખીને બેઠેલા ટિકટોક સ્ટાર્સ તથા આ એપના વપરાશકારો માટે માઠા સમાચાર છે. ટિકટોક એપ લોન્ચ કરનારી કંપની બાઇટડાન્ટને હવે ભારતમાં તે ફરી ધંધો શરૂ કરી શકે તેવી કોઇ આશા રહી નથી. આથી, આ કંપનીએ ભારતમાંથી કાયમી વિદાય લેવાની તૈયારી શરૂ કરી છે. તેણે તેના સ્ટાફને છૂટો કરવા માંડ્યો છે.

ભારતે પ્રથમ રાઉન્ડમાં જુન૨૦૨૦માં ૫૯ ચીની એપ પર પ્રતિબંધ મુક્યો હતો. એ પ્રતિબંધ કામચાલઉ હતો અને કંપનીઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક અપાઈ હતી. પરંતુ કંપનીઓએ ભારત સરકારના આઈટી મંત્રાલય દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નોનો સંતોષકારક ખુલાસો આપ્યો ન હતો. માટે સરકારે હવે પ્રતિબંધ કાયમી કરી દીધો છે. ચીન સરકારે આ મુદ્દે રોદણા રોવાના શરૂ કર્યા છે.

ભારતમાં ફરી બિઝનેસ શરૂ થવાની અનિશ્ચિતતાને કારણે કંપનીએ બુધવારે કર્મચારીઓને આંતરિક મેમો દ્વારા આ માહિતી આપી હતી.ટિકટોકના વચગાળાના વૈશ્વિક વડા વેનેસા પપ્પાસ અને ગ્લોબલ બિઝનેસ સોલ્યુશન્સના વાઇસ પ્રેસિડન્ટ બ્લેક ચંદલીએ કર્મચારીઓને સંયુક્ત ઇ-મેઇલમાં ભારતમાં ટીમનું કદ ઓછું કરવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કંપનીના નિર્ણયની ભારતમાં કાર્યરત તમામ કર્મચારીઓ પર અસર થશે.

બાઈટડાન્સે ભારતમાં સંકેલો કરતા કહ્યુ હતુ કે અમે સરકાર સાથે વાટાઘાટો ચાલુ રાખીશુ. પરંતુ અત્યારે અમારી કામગીરી ચાલુ નથી, માટે કર્મચારીઓનો નિભાવ કરી શકતા નથી. કર્મચારીઓને નિયમ પ્રમાણે ૩ મહિનાનો પગાર આપી દેવાશે. વધુમાં કંપની સાથે કેટલા વર્ષ કામ કર્યુ, તેના આધારે વધારાનું વળતર પણ અપાશે. કંપનીએે કહ્યુ હતુ કે પ્રતિબંધના સાત મહિના દરમિયાન અમે સરકારને અમારી રીતે સમજાવવા પ્રયાસ કર્યો હતો.

ટિકટોકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “કંપની સરકાર દ્વારા ૨૯ જૂન, ૨૦૨૦ના રોજ જારી કરાયેલા આદેશનું પાલન કરવાની દિશામાં કટિબદ્ધ છે. અમે અમારી એપને સ્થાનિક કાયદા અને નિયમો સાથે સુસંગત કરવા કાર્યરત છીએ.”