Tim Cook: ટિમ કૂકે 15 વર્ષ પછી એપલના સીઈઓ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. કુકના ઔપચારિક રાજીનામા બાદ જોન ટર્નસ એપલના નવા સીઈઓ બનશે. કુક એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકા સંભાળશે. જોન ટર્નસ હાલમાં એપલના હાર્ડવેર એન્જિનિયરિંગના ચીફ છે. તેઓ છેલ્લા 25 વર્ષથી એપલ સાથે છે. તેઓ 1 સપ્ટેમ્બરના રોજ સીઈઓની ભૂમિકા સંભાળશે.
એપલમાં આ ફેરફાર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષોથી એવી અટકળો ચાલી રહી હતી કે ટિમ કૂક સીઈઓ પદ છોડી શકે છે. આખરે તેની પુષ્ટી થઈ ગઈ છે. કુક 2011થી કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા જ્યારે સ્ટીવ જોબ્સે સ્વાસ્થ્ય કારણોસર રાજીનામું આપ્યું હતું. 65 વર્ષીય કૂક 1 સપ્ટેમ્બરના રોજ જોન ટર્નસને સીઈઓની ભૂમિકા સોંપશે. તે પછી તેઓ એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એપલ સાથે રહેશે.
જ્યારે કૂકે સ્ટીવ જોબ્સ પાસેથી પદ સંભાળ્યું ત્યારે તેમણે ઘણા પડકારોનો સામનો કર્યો. તેમણે એપલને નવી ઊંચાઈઓ પર લઈ ગયા અને તેમના નેતૃત્વ હેઠળ કંપનીએ અનેક સફળતા મેળવી છે
ટિમ કૂકની એપલ સાથેની સફર
સ્ટીવ જોબ્સે પોતાનું પદ છોડ્યા પછી ટિમ કૂકે 2011માં એપલના સીઈઓની જવાબદારી સંભાળી હતી. તેઓ 1998માં એપલમાં જોડાયા. તે સમયે કંપની ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. સ્ટીવ જોબ્સે એપલની ઓપરેશન્સ ટીમને નવી દિશામાં લઈ જવા માટે ટિમ કૂકને નોકરી પર રાખ્યા હતા.
તેમણે 2005 થી 2011 સુધી કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે સેવા આપી. આ સમય દરમિયાન, તેમણે વૈશ્વિક સ્તરે આઇપોડ, મેકબુક, આઇફોન અને આઈપેડ જેવા ઉત્પાદનો માટે સપ્લાય ચેઇનને મજબૂત બનાવી. એવું માનવામાં આવે છે કે ટિમ કૂકે એપલના મોટા પાયે પ્રોડક્ટ લોન્ચમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
2011માં સીઈઓ બન્યા
સ્ટીવ જોબ્સની બીમારી દરમિયાન ટિમ કૂકે કંપનીના વચગાળાના સીઈઓ તરીકે સેવા આપી. 24 ઓગસ્ટ, 2011ના રોજ સ્ટીવ જોબ્સે ટિમ કૂકને એપલના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા. કૂકના નેતૃત્વ હેઠળ એપલે ઘણા મહત્વપૂર્ણ સીમાચિહ્નો હાંસલ કર્યા.
કૂકના CEO તરીકેના કાર્યકાળ દરમિયાન કંપનીએ Apple Watch, AirPods, M1, M2, અને M3 સિલિકોન ચિપ્સ અને Apple Vision Pro જેવા નવા ઉત્પાદનો લોન્ચ કર્યા. Apple $3 ટ્રિલિયનના વેલ્યૂએશન સુધી પહોંચનારી પ્રથમ કંપની બની. કૂકના નેતૃત્વ હેઠળ iCloud, Apple Music, Apple TV+ અને App Store જેવા સર્વિસ બિઝનેસનો વિસ્તાર થયો.
