DoT એ મોટી કાર્યવાહી કરતા લગભગ 1.75 લાખ નંબર બ્લોક કરી દીધા છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે ટ્રાઈના અનસોલિસીટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન (યુસીસી)ના નવા નિયમ હેઠળ આ કાર્યવાહી કરી છે. આ માટે, ટેલિકોમ્યુનિકેશન વિભાગે લોકભાગીદારી સાથે સ્પામ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું. લોકોએ આ નંબરો વિશે ટેલિકોમ્યુનિકેશન વિભાગના સંચાર સાથી ચક્ષુ પોર્ટલ દ્વારા ફરિયાદ કરી હતી. DoT એ એમ પણ કહ્યું છે કે આ નંબરો ચલાવતા એન્ટરપ્રાઈઝ પર ભારે દંડ લાદવામાં આવશે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગે તેના સત્તાવાર એક્સ હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે. DoT એ તેની પોસ્ટમાં કહ્યું કે 1.75 લાખ ડાયરેક્ટ ઇનવર્ડ ડાયલિંગ એટલે કે DID અથવા લેન્ડલાઇન નંબર બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ નંબરો દ્વારા લોકોને નકલી માર્કેટિંગ કોલ કરવામાં આવતા હતા. વધુમાં, આ નંબરોનો ઉપયોગ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે પણ કરવામાં આવતો હતો.
DoT અનુસાર, આ બ્લોક કરેલા નંબરો 0731, 079, 080 વગેરેથી શરૂ થતા હતા. તેમના દ્વારા PRI, લીઝ લાઇન, ઇન્ટરનેટ લીઝ લાઇન, SIP અને IPLCનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો. જન ભાગીદારીની મદદથી, ચક્ષુ પોર્ટલ પર UCC હેઠળ આ નંબરોની જાણ કરવામાં આવી હતી.
લોકોની ફરિયાદના આધારે ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ નંબરોથી કરવામાં આવેલા કમ્યુનિકેશનની તપાસ કરી. જે બાદ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. DoT એ સાહસોને આવા પ્રમોશનલ કોલ કરવા માટેના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. TRAIના નવા નિયમો અનુસાર, આ પ્રમોશનલ કોલ UCC હેઠળ આવે છે, જેના કારણે તેમના નંબર બ્લોક કરવાની સાથે તેમાં ઉપયોગમાં લેવાતા સાધનોને જપ્ત કરવાની જોગવાઈ છે. એટલું જ નહીં કંપનીઓ પર ભારે દંડ પણ લગાવવામાં આવી શકે છે.
ફેક કોલની જાણ કેવી રીતે કરવી ?
જો તમારા નંબર પર કોઈ પ્રમોશનલ અથવા ફેક કોલ આવે છે તો તમે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના ચક્ષુ પોર્ટલ પર તેની જાણ કરી શકો છો. આ માટે તમારે સંચાર સાથી ઓનલાઈન પોર્ટલ અથવા એપનો ઉપયોગ કરવો પડશે. જો તમે પોર્ટલ કે એપમાં નેવિગેટ કરશો તો તમને ચક્ષુનો વિકલ્પ મળશે. અહીં જાઓ અને સ્ક્રીન પર આપેલી સૂચનાઓને અનુસરો અને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.