Truecaller 12 Features: ટ્રૂકૉલર, એ એક મુખ્ય કૉલર આઇડી પ્લેટફોર્મ બની ગયુ છે. જે મોટાભાગના લોકોના મોબાઇલમાં ઇન્સ્ટૉલ્ડ કરેલુ હોય છે. આની ખાસિયત છે કે કોઇને પણ કૉલ આવે તે પહેલા તે તમને સામે વાળાનુ નામ બતાવી દે છે, પછી ભલે તે તમારા સ્માર્ટફોન કૉન્ટેક્ટ લિસ્ટમાં કેમ નથી હોતુ. હવે ટ્રૂકૉલરનુ નવુ અપડેટ વર્ઝન આવી ગયુ છે, જેને છે ટ્રૂકૉલર 12. આ ટ્રૂકૉલર 12માં કેટલાક ખાસ ફિચર્સ છે, તે તમારા માટે કામના છે, જાણો તેના વિશે.............


ફ્રી કોલ રેકોર્ડિંગ
તમે પત્રકાર છો કે પછી કોઇ કંપનીમાં એચઆર મેનેજર અથવા કોઇ સરકારી અધિકારી જેમને નવી ભરતી અથવા તો અન્ય કોઇ કારણસર કોઇ વ્યક્તિ સાથેની વાતચીત રેકોર્ડ કરવાની છે તો આ ફીચર તેમના માટે ખૂબ જ ઉપયોગી છે. આ ફીચરના માધ્યમથી યૂઝર્સ કૉલને રેકોર્ડ કરી તેને સાચવી શકે છે. એટલું જ નહીં આ ફીચરમાં ઓટોમેટિક તેમજ મેન્યુઅલી બંને ઓપ્શન આપવામાં આવ્યા છે. જોકે, આ અપડેટ માત્ર એન્ડ્રોઇડ માટે હોવાથી આ ફીચર એપલના આઇઓએસમાં કામ નહીં કરે.


ટ્રુકૉલર ઘોસ્ટ કૉલ
સામાન્ય રીતે કોઇ એવી વ્યક્તિ છે જેની સાથે વધારે વાત કરવી આપણને ગમતી નથી કે પછી કોઇ જગ્યાએ અરજન્ટ પહોંચવાનું છે અને કોઇ વ્યક્તિ સાથેની વાતચીતને કાપીને નીકળી શકાય તેમ નથી. આવી પરિસ્થિતિમાં ટ્રુકોલરનું આ ફીચર ખૂબ જ ઉપયોગી બનશે. આ ફીચર યૂઝર્સને બ્રેક લેવા અથવા વાસ્તવિક સ્કેમર્સથી બચવા માટે દેખાડા કરવા કૉલ આવતો હોવાનો આભાસ કરી શકાય છે. યૂઝર્સ નામ, નંબર અને પ્રોફાઇલ પિક્ચર પણ સેટ કરી શકે છે. એટલું જ નહીં, યૂઝર્સ પોતાના કોન્ટેક્ટમાંથી પણ કોઇ નંબરની પસંદગી કરી શકે છે. જે સેટિંગ યૂઝર્સ જાતે કરી શકે છે. જેમાં યૂઝર્સ કૉલરનું નામ અને કૉલનો સમય જાતે સેટ કરી શકે છે.


વીડિયો કૉલર આઇડી 
સામાન્ય રીતે યૂઝર્સ કોઇને ફોન કરે તો સામે કૉલ રિસીવ કરનારના ફોનમાં કૉલરનો જે ફોટો નંબર સાથે મુકાયો છે તે દેખાતો હોય છે, પરંતુ ટ્રુકૉલરના આ ફીચરના ઉપયોગથી હવે યૂઝર્સ કૉલ કરી રિસીવ કરનારને પોતાનો સેલ્ફી વીડિયો બતાવી શકે છે. જે માટે યૂઝર્સે પોતાનો એક સેલ્ફી વીડિયો તૈયાર કરી ટ્રુકૉલરના સેટિંગમાં જઇ તેને સેટ કરવાનો રહેશે. જે બાદ યૂઝર્સ કોઇને પણ ફોન કરશે તો સામે ફોન રિસીવ કરનારને યૂઝરનો ફોટો નહીં તેને સેટ કરેલો વીડિયો દેખાશે. આ ફીચર યૂઝર્સના કૉલર આઇડીને ખાસ સુવિધા આપે છે


કૉલ માટે એલર્ટ કરવુ
ટ્રુકૉલરના સંચાલકોનું માનવું છે કે, વ્યક્તિ પોતાને આવતા તમામ ફોન કૉલના જવાબ આપવા માટે સક્ષમ હોતો નથી. ખાસ કરીને વાહન ચલાવતા સમયે, મિટિંગ દરમિયાન આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. તેવા સમયે આ ફીચરનો ઉપયોગ કરીને યૂઝર્સ ફોન કરનારનું નામ ફોનને જોયા વગર જાણી શકશે. જોકે, આ ફીચર માત્ર પ્રીમિયમ યૂઝર્સને આપવામાં આવતી સુવિધાઓ પૈકીની એક છે. જેથી માત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી આ સુવિધાનો ઉપયોગ કરી શકાશે નહીં.