digital legacy: આજના સ્માર્ટફોનના જમાનામાં આપણી જિંદગી માત્ર ઘર, બેંક બેલેન્સ કે જમીન-મકાન સુધી સીમિત નથી રહી. આપણી કિંમતી યાદો, ફોટા, ઈમેલ અને અંગત વાતચીત હવે ડિજિટલ દુનિયામાં સચવાયેલી છે. પણ ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આ ડિજિટલ ડેટાનું શું થાય છે? તાજેતરમાં ગુજરાતની એક કોર્ટે આ અંગે એક ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિનો ડિજિટલ ડેટા પણ તેની કાયદેસરની મિલકત છે અને મૃત્યુ પછી ગોપનીયતા (Privacy) નો અધિકાર પૂરો થઈ જાય છે. તો ચાલો સમજીએ કે આખો મામલો શું છે અને તમારો ડેટા કોને મળી શકે.

Continues below advertisement

આવી રીતે શરૂ થયો આખો કેસ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ આખો મામલો ગુજરાતના ગાંધીનગરની સિવિલ કોર્ટમાં પહોંચ્યો હતો. અહીં એક પરિવાર તેમના મૃતક સ્વજનનો લોક થયેલો iPhone અને iCloud એકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ એકાઉન્ટમાં પરિવાર માટે ખૂબ જ મહત્વના ફોટા, વીડિયો, વોઈસ નોટ્સ અને ડોક્યુમેન્ટ્સ હતા, જે તેમની ભાવનાઓ સાથે સીધા જોડાયેલા હતા.

Continues below advertisement

જ્યારે પરિવારે આ ડેટા મેળવવા સીધો Apple કંપનીનો સંપર્ક કર્યો, ત્યારે કંપનીએ ચોખ્ખી ના પાડી દીધી. કંપનીનો નિયમ હતો કે સત્તાવાર કોર્ટના આદેશ વિના તેઓ કોઈ કાનૂની પ્રતિનિધિને ડેટા આપી શકે નહીં.

કોર્ટે પુત્રીને સોંપ્યો ડેટાનો અધિકાર

આ પછી મૃતકની પત્ની અને પુત્રીએ 'ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ 1925' હેઠળ કોર્ટના દરવાજા ખખડાવ્યા. મૃતકે કોઈ વસિયત ન બનાવી હોવાથી પરિવારે ડેટા પર અધિકાર માંગ્યો હતો. કેસની સુનાવણી બાદ ન્યાયાધીશ હિમાંશુ ચૌધરીએ મૃતકની પુત્રીને કાનૂની વહીવટકર્તા (legal administrator) તરીકે નિયુક્ત કરી અને Apple ને આદેશ આપ્યો કે પરિવારને શક્ય તેટલો બધો જ ડેટા પાછો આપવામાં મદદ કરે.

ડિજિટલ ડેટા પણ તમારી 'મિલકત' છે

આ ચુકાદાની સૌથી મોટી વાત એ છે કે કોર્ટે પહેલીવાર ડિજિટલ ડેટાને વ્યક્તિગત સંપત્તિ એટલે કે 'મિલકત' ગણાવી છે. ભારતમાં હાલમાં ડિજિટલ વારસા માટે કોઈ અલગ કાયદો નથી, છતાં કોર્ટે જનરલ ક્લોઝ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) જેવા કાયદાઓને ટાંકીને કહ્યું કે iCloud માં પડેલો ડેટા એ મૂલ્યવાન સંપત્તિ છે અને તે કાનૂની વારસાનો જ એક ભાગ છે. કોર્ટે એમ પણ નોંધ્યું કે હવે તો ક્રિપ્ટોકરન્સી અને NFT ને પણ ડિજિટલ સંપત્તિ માનવામાં આવે છે, તેથી ભવિષ્યમાં આવા કેસો વધવાના છે.

મૃત્યુ પછી પ્રાઈવસીનું શું?

હવે સવાલ એ થાય કે ગોપનીયતાનું શું? ડિજિટલ એકાઉન્ટમાં ઘણી એવી અંગત વાતો હોય છે જે કદાચ વ્યક્તિ મર્યા પછી પણ કોઈને બતાવવા ન માંગતો હોય. આના પર કોર્ટે સ્પષ્ટ કર્યું કે 'રાઈટ ટુ પ્રાઈવસી' એ જીવતા વ્યક્તિનો અધિકાર છે. વ્યક્તિના મૃત્યુની સાથે જ તેનો ગોપનીયતાનો અધિકાર પણ ખતમ થઈ જાય છે. તેથી કાનૂની વારસદારોને પ્રાઈવસીના બહાને ડેટા લેતા રોકી શકાય નહીં.

તમને જણાવી દઈએ કે, ભારતના 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023' માં ડેટા માટે કોઈને નોમિની બનાવવાની સુવિધા આપવામાં આવી છે. પરંતુ જો વ્યક્તિએ અગાઉથી કોઈને નોમિની ન બનાવ્યા હોય, તો આગળ શું કરવું તે અંગે કાયદો હજુ પણ થોડો અસ્પષ્ટ છે.