WhatsApp Business message charges: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન પર WhatsApp માત્ર વાતચીતનું જ માધ્યમ રહ્યું નથી. ઓનલાઈન શોપિંગના ઓર્ડર કન્ફર્મેશનથી લઈને ડિલિવરી અપડેટ્સ અને OTP સુધીની તમામ માહિતી આપવા માટે કંપનીઓ ગ્રાહકો સાથે જોડાવા WhatsApp નો જ મહત્તમ ઉપયોગ કરે છે. પરંતુ, 1 ઓક્ટોબર 2026 થી વ્યવસાયો અને કંપનીઓ માટે આ સેવાનો ખર્ચ વધવા જઈ રહ્યો છે. મેટા (Meta) કંપની પોતાના WhatsApp Business પ્લેટફોર્મની કિંમત નીતિમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે, જેના કારણે કંપનીઓએ ગ્રાહકોને યુટિલિટી મેસેજ મોકલવા માટે હવે નવો ચાર્જ ચૂકવવો પડશે.
24 કલાકની ફ્રી વિન્ડોમાં પણ હવે લાગશે ચાર્જ
હાલના નિયમ મુજબ, વ્યવસાયો WhatsApp Business પ્લેટફોર્મ પર ગ્રાહકનો મેસેજ પ્રાપ્ત કર્યા પછી 24 કલાકની કસ્ટમર સર્વિસ વિન્ડોમાં ગ્રાહકોને વિવિધ જવાબો અને યુટિલિટી મેસેજ (ઉપયોગિતા સંદેશાઓ) મોકલી શકે છે, જેના પર કંપનીઓને કોઈ મેસેજિંગ ચાર્જ લાગતો નથી. આ મેસેજમાં સામાન્ય રીતે ઓર્ડર અપડેટ્સ અને ડિલિવરીની માહિતીનો સમાવેશ થાય છે. પરંતુ, 1 ઓક્ટોબરથી આ નિયમ બદલાઈ જશે. હવેથી ઓર્ડર કન્ફર્મેશન અને ડિલિવરી અપડેટ્સ જેવા યુટિલિટી મેસેજ માટે 24 કલાકની વિન્ડોમાં પણ મેટા દ્વારા મેસેજિંગ ચાર્જ વસૂલવામાં આવશે.
વેપારીઓ માટે દર મહિને 1000 સર્વિસ રિપ્લાય મફત
નવી કિંમત પ્રણાલી લાગુ કરવા છતાં, મેટાએ નાના વેપારીઓ માટે એક રાહત આપી છે. નવા નિયમ અનુસાર, ગ્રાહકોના પ્રશ્નોના જવાબ આપવા માટે દરેક બિઝનેસ ફોન નંબર પર દર મહિને પ્રથમ 1000 સર્વિસ રિપ્લાય સંપૂર્ણપણે મફત રહેશે. ઉદાહરણ તરીકે, જો કોઈ બિઝનેસ એક મહિનામાં 1500 સર્વિસ રિપ્લાય મોકલે છે, તો પહેલા 1000 મેસેજ માટે કોઈ ચાર્જ લાગશે નહીં. આ 1000 ની મફત મર્યાદા પૂર્ણ થયા પછી જ, બાકીના 500 મેસેજ પર બજારના વર્તમાન દર મુજબ ચાર્જ વસૂલવામાં આવશે.
ભારતમાં WhatsApp મેસેજના નવા દરોનું માળખું
ભારતીય બજાર માટે મેટાના નવા ભાવ માળખા પર નજર કરીએ તો દરો નીચે મુજબ રહેશે:
યુટિલિટી મેસેજ: સ્ટાન્ડર્ડ બેઝ રેટ પ્રતિ મેસેજ 11.5 પૈસા નક્કી કરવામાં આવ્યો છે. આ રકમ પર 18% GST ઉમેર્યા પછી, પ્રતિ મેસેજ આશરે 13.6 પૈસાનો ખર્ચ થશે. આ ગણતરી મુજબ, જો કોઈ કંપની એક મહિનામાં 1000 પેઇડ યુટિલિટી મેસેજ મોકલે છે, તો તેનો બેઝ ચાર્જ 115 રૂપિયા થશે અને GST સાથે આ રકમ 135.70 રૂપિયા થશે.
માર્કેટિંગ મેસેજ: ભારતમાં પ્રમોશનલ કે માર્કેટિંગ મેસેજ માટેનો બેઝ દર 86.31 પૈસા પ્રતિ મેસેજ છે.
ઓથેન્ટિકેશન મેસેજ: ગ્રાહકોને મોકલવામાં આવતા OTP જેવા મેસેજ માટેનો બેઝ રેટ 11.5 પૈસા પ્રતિ મેસેજ છે. (આ દરો GST પહેલાના છે).
જાહેરાતો માટે 72 કલાકની ફ્રી વિન્ડો યથાવત્
જે વ્યવસાયો જાહેરાતો દ્વારા ગ્રાહકોને આકર્ષે છે તેમના માટે મેટાએ 72 કલાકની ફ્રી વિન્ડો ચાલુ રાખી છે. જો કોઈ ગ્રાહક ફેસબુક પેજ પરના કોલ-ટુ-એક્શન બટન અથવા 'ક્લિક-ટુ-વોટ્સએપ' જાહેરાતો દ્વારા વ્યવસાય સાથે વાતચીત શરૂ કરે છે, તો વ્યવસાય દ્વારા મોકલવામાં આવતા કોઈપણ મેસેજ પર આગામી 72 કલાક સુધી કોઈ મેસેજિંગ ફી લાગશે નહીં.
સામાન્ય WhatsApp યુઝર્સ પર શું અસર પડશે?
આ તમામ નવા ફેરફારો અને ચાર્જ માત્ર કંપનીઓ માટે જ છે. મેટાના આ નિયમથી સામાન્ય અને નિયમિત WhatsApp યુઝર્સને કોઈ જ સીધી અસર થશે નહીં. ગ્રાહકોએ કોઈપણ બિઝનેસને મેસેજ મોકલવા માટે કે તેમના તરફથી ઓર્ડર અને ડિલિવરીના અપડેટ્સ મેળવવા માટે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં. આ નવું પ્રાઇસિંગ મોડેલ માત્ર WhatsApp Business પ્લેટફોર્મ પર લાગુ થાય છે, રેગ્યુલર WhatsApp કે સાદી WhatsApp Business એપ પર નહીં.
